કેન્દ્ર કૃષિ કાયદાનો અમલ રોકવા વિચારે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને નવા ત્રણ કૃષિ કાયદાનો અમલ રોકવા વિચારણા કરવાની ગુરુવારે સલાહ આપી હતી અને આ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને રસ્તારોકો નહીં કરવાનો આદેશ પણ આપ્યો હતો. દેશના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે કેન્દ્ર સરકારના ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને પૂછ્યું હતું કે ‘અદાલત કૃષિ કાયદાને લગતી સુનાવણી ચાલે ત્યાં સુધી આ કાયદાનો કોઈ અમલ નહીં કરવામાં આવે એવી ખાતરી સરકાર અદાલતને આપી શકશે?’ વેણુગોપાલે અદાલતને સામું પૂછ્યું હતું કે ‘કયા પ્રકારની અમલ બજાવણી? જો એવું થશે તો ખેડૂતો કોઈ ચર્ચા માટે આગળ જ નહીં આવે.’ ચીફ જસ્ટિસ બોબડેએ આના જવાબમાં કહ્યું, ‘વાટાઘાટ થઈ શકે એ માટે અમે આવું કહી રહ્યા છીએ.’
અદાલતે એવું પણ કહ્યું હતું કે ‘અમે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધના ખેડૂતોના વિરોધમાં દખલગીરી નહીં કરીએ.’ ખંડપીઠે જણાવ્યું હતું કે ‘વિરોધ કરી રહેલા બધા જ ખેડૂત સંગઠનો સુધી આ સંદેશા પહોંચવા જોઈએ.’ આવું કહીને બેન્ચે સૂચવ્યું હતું કે ‘આ કેસ શિયાળાના બ્રેક દરમિયાન અદાલતની વેકેશન બેન્ચ સમક્ષ મૂકી શકાય
વેણુગોપાલે અદાલતને કહ્યું હતું કે ‘નોટિસ ખેડૂતોના એવા તમામ પ્રતિનિધિઓને મોકલવી જોઈએ જેઓ અત્યાર સુધી સરકાર સાથેની મંત્રણાના હિસ્સેદાર રહ્યા છે.’ ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ‘જ્યાં સુધી વિરોધ-પ્રદર્શનમાં કોઈ મિલકતને નુકસાન ન પહોંચાડાય અને સામાન્ય માનવીની જિંદગીને ભયમાં ન મુકાય ત્યાં સુધી એ વિરોધ બંધારણીય કહેવાય. જ્યાં સુધી ખેડૂતો વાટાઘાટ કર્યા વગર આંદોલનને વળગી રહે તો એનો કોઈ અર્થ નહીં સરે.
કેન્દ્ર અને ખેડૂત વર્ગે મંત્રણા કરવી જ પડશે
કેન્દ્ર વતી અદાલતમાં હાજરી આપનાર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સૂચવ્યું હતું કે ‘આ મડાગાંઠ ઉકેલવા કોઈ કમિટી રચવાને બદલે વિખ્યાત હસ્તીઓએ ભેગા થઈને ખેડૂતો તથા કેન્દ્ર વચ્ચે વાટાઘાટ યોજાય એવી અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ. ખુદ કેન્દ્રએ ખેડૂતોને કહ્યું છે કે અમે આ મુદ્દો ઉકેલવા માગીએ છીએ. એવું સરકારે તેમને લેખિતમાં પણ આપ્યું છે ભારતીય કિસાન યુનિયન વતી સુપ્રીમ કોર્ટમાં વકીલ એ. પી. સિંહે અદાલતને પૂછ્યું હતું કે ‘કેમ સરકાર ખેડૂતોને દિલ્હીના રામલીલા મેદાન પર વિરોધ-પ્રદર્શન કરવાની છૂટ નથી આપતી?’
ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે ‘વિરોધ-પ્રદર્શન કરી રહેલાઓ રામલીલા મેદાન પર પહોંચીને શાંતિ જાળવશે કે નહીં એ અદાલત કઈ રીતે કહી શકે? એ કામ પોલીસ પર છોડવું પડે. હમણા અમે આ કૃષિ કાયદાની કાયદેસરતા અને એના પ્રમાણભૂત બાબતમાં કોઈ નિર્ણય પર ન આવી શકીએ. સૌથી પહેલાં અમે ખેડૂતોના વિરોધ-પ્રદર્શન અને નાગરિકોના મૂળભૂત અધિકારના મુદ્દાને જ ધ્યાનમાં લઈશું.’ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં ખેડૂતો વિરોધ પ્રગટ કરી શકે પણ જનજીવનને સ્પર્શે એવા અવરોધો ઊભા ન કરી શકે.