સાબરકાંઠા જિલ્લા કલેક્ટરસી. જે. પટેલ હાજર થયા ત્યારથી નિવૃત્તિના છેલ્લા દિવસે પણ સક્રિયતા અને ફરજનિષ્ઠા નિભાવી…..

મોટી ઇસરોલ : સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે નો ચાર્જ તા. ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સંભાળીને પ્રથમ દિવસથી જિલ્લામાં લોક ઉપયોગી કામો અને જિલ્લાના વિકાસને આગળ ધપાવવાના મક્કમ નિર્ધાર સાથે એક વર્ષની સફરમાં સક્રિયતા, સહભાગીતા, જનસંપર્ક, વહીવટી કાર્યકુશળતા અને અનુભવનું ભાથું જિલ્લાની જનતાને મળ્યું છે. અને પ્રેમ લોકચાહના અને સાદાઈથી ભરેલા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે.પટેલ જિલ્લાની જનતામાં અને વહીવટી તંત્રમાં એક વડીલ અને માર્ગદર્શકની ભૂમિકા બખૂબી નિભાવીને આજે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સેવા નિવૃત્ત થયા છે.
મોરબી જિલ્લાના રંગપુર ગામના વતની અને બી. ઇ. સિવિલની ડીગ્રી મેળવી આઈ.એ.એસ.ની પદવી મેળવી પ્રથમ કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ત્યારબાદ નિયામક ડાયરેક્ટર ઓફ લેબર ગાંધીનગર ખાતે ફરજ બજાવી ત્યાંથી જિલ્લા કલેકટર સાબરકાંઠામાં હવાલો સંભાળ્યો હતો એક વર્ષની સફરમાં જિલ્લા કલેકટર શ્રી સી. જે. પટેલ દ્વારા કોરોના મહામારીમાં કોરોનાને કંટ્રોલ કરવામાં ખુબ ઉમદા કાર્ય અને સક્રિયતા દાખવી જેનાથી જિલ્લામાં શરૂઆતના તબક્કામાં નજીવા કેસો નોંધાયા હતા.
પાછળથી સંક્રમણ વધતાં થોડા કેસો વધતાં પણ સક્રિયતા, સજાગતા, જાગૃતતાને કારણે કંટ્રોલ લેવામાં સફળતા સાંપડી અને પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા છતાં પણ સ્વસ્થ અને મક્કમ મને ફરી પ્રવૃત્તિમય ફરજમાં જોતરાયા અને વર્ક ટુ હોમ કરી ફરજ નિભાવી આરોગ્ય અને વહીવટી તંત્રની ચોક્કસ સમયે દિશા નિર્દેશ કરીને પડકારોની સામે અડીખમ ઊભા રહી જિલ્લા કલેકટરશ્રી તરીકે સજાગતા, સતર્કતા, ધીરજ અને એમના કરેલા કાર્યથી જિલ્લામાં કોરોના કેસોમાં પણ ઘણો ઘટાડો નોંધાયો છે. કન્ટેન્મેન્ટઝોનની પણ મુલાકાત લઈને ડર્યા વગર પડકારો ઝીલ્યા છે.
જિલ્લામાં યોજાતી અમલીકરણ અધિકારીઓની બેઠકો આયોજન અને અમલીકરણમાં પણ સક્રિયતા દાખવી જિલ્લાની જનતાના હિતમાં બખુબી નિર્ણયો લીધા છે. અને લોકચાહના અને જિલ્લાની જનતાનો પ્રેમ હાંસલ કર્યો છે. ગ્રામસભાઓ, મામલતદાર, પ્રાંત કચેરીઓની મુલાકાત તેમજ જીલ્લાના ગામડાઓમાં જઈને સરકારી યોજનાઓ તેમજ સરકારના વખતો વખતના અભિયાનોને ધરતી પર ઉતારવાની મથામણ આદરી અદકેરા અધિકારી તરીકેની ઓળખ સ્થાપિત કરી છે. આજે તેઓ સેવા નિવૃત્ત થયા છે તેનો રંજ છે આવા અધિકારી અનુભવી અને એક વડીલ તરીકેની ભૂમિકા તેઓએ સદા સર્વદા અદા કરી છે.
અંતિમ દિવસે પણ ઓફિસમાં બેસવાને બદલે જોરાપુર ગામે ફિલ્ડમાં વિઝીટ અને મુલાકાત લઈને જનસંપર્ક નો જનમાર્ગ કંડાર્યો દરેક વિષયમાં ઊંડાણમાં જઈ મૂળ સુધી વિષયવસ્તુને પકડનાર અને તેનો વ્યૂહાત્મક માર્ગ શોધી આપનાર અનુભવી જિલ્લા કલેક્ટરશ્રી સેવા નિવૃત્ત થયા છે. તેઓની તંદુરસ્તી દીર્ઘાયુ માટે મંગલ કામના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ અને જનતાએ પાઠવી છે. જિલ્લા કલેકટર શ્રી સી. જે. પટેલની સાદાઇ પ્રેમાળ માયાળુ અને સ્વભાવે શાંત અને પહેલવૃત્તિ અને સંકલનતાથી પરિણામલક્ષી જેવા એમના ઉમદા ગુણો અન્યને પ્રેરણા પૂરા પાડે છે.
પ્રભુદાસ પટેલ,મોટી ઇસરોલ