અંબાજી યાત્રાધામનાં વિકાસ માટે કલેકટર દ્વારા મીટીંગ યોજાઈ

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ કામોની ચર્ચા માટે પાલનપુર મુકામે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ વિકાસકામોની ચર્ચા કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, અંબાજી મંદિર કરોડો માઇભક્તો માટે પરમ શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન અને પૂજા-અર્ચના માટે આવે છે ત્યારે અંબાજી દર્શનાર્થે આવતા માઇભક્તોની સેવા માટે સમર્પણ અને સેવાભાવથી કામગીરી કરીએ.
તેમણે દરેક કચેરીઓના અધિકારીઓને અંબાજીની મુલાકાત લઇ યાત્રાધામ અંબાજીને વધુ સુવિધાસભર બનાવવા કયા કયા કામો કરવા જોઇએ તેની માહિતી આપવા જણાવ્યું હતું. અંબાજીમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા અને સલામતિને ધ્યાનમાં રાખી મંદિરનો પોતાનો ડિઝાસ્ટર પ્લાન બનાવી તૈયાર રાખવા કલેકટરશ્રીએ સુચના આપી હતી.
આ ઉપરાંત બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની તમામ હિસાબી કામગીરી, બાંધકામ શાખાને લગતી કામગીરી તથા નવિન પ્રોજેક્ટોનું આયોજન, ઇલેક્ટ્રીક લાઇટને લગતી કામગીરી, એસ્ટેટ શાખા અને આઇ. ટી. તેમજ મિડીયાને લગતી કામગીરી, દેવસ્થાનની સુરક્ષા અને સલામતિ, સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ, પાર્કિગ, ટ્રાફિક નિયમન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર, દેવસ્થાન ટ્રસ્ટના ભોજનાલય, પ્રસાદ, કોલેજ હોસ્ટેલ, સંસ્કૃત છાત્રાલય ભોજનશાળા ખાતે ચકાસણી, મહેકમ, શૈક્ષણિક સંસ્થાઓ, વન વિભાગ, આરોગ્યની સુવિધાઓ અને ટ્રસ્ટના લીટીગેશનની કામગીરી અંગે સંબંધિત કચેરીઓના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં આસી. પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, જિલ્લા પુરવઠા અધિકારી અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજેનરશ્રી એમ. એમ. પંડ્યા, જિલ્લા તિજોરી અધિકારીશ્રી જે. આઇ. દેસાઇ, જિલ્લા સરકારી વકીલશ્રી સી.જી.રાજપૂત સહિત સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)