કોરોના સામે રસીકરણ સૌથી મોટું હથિયાર : DDO બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ૧૭ લાખ નાગરિકોને રસી આપવાનું આયોજનઃ ૪૫ વર્ષ ઉપરનાં ૬.૧૯ લાખ લોકોને રસી આપી સુરક્ષા પ્રદાન કરાઇ છે. કોવિડ-૧૯ કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશ સહિત રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. કોરોના સામેની આ લડાઇમાં રસીકરણ જ સૌથી મોટું હથિયાર છે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આગામી તા. ૧ મે-૨૦૨૧થી ૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના જિલ્લાના ૧૭ લાખ જેટલાં નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવશે.
જેમાં તા. ૧ થી ૫ મે-૨૦૨૧ સુધીમાં શહેરી વિસ્તારો જેવા કે ડીસા, પાલનપુર, થરાદ, ભાભર, ધાનેરા અને થરામાં એ.પી.એમ.સી., કરિયાણાની દુકાનોવાળા, પાર્લરવાળા, ફેરિયાઓ, રીક્ષાવાળા જેઓ લાકોના સીધા સંપર્કમાં આવતા હોય તેવા અંદાજીત ૫ લાખ લોકોને રસી આપવામાં આવશે. ત્યારબાદ તા. ૬ થી ૧૦ મે-૨૦૨૧ દરમિયાન જિલ્લાના ૧૨૦૦ થી વધુ ગામડાંઓમાં વસતા નાગરિકોને રસી આપવામાં આવશે. આમ જિલ્લામાં કુલ-૧૭ લાખ જેટલાં લોકોને રસી આપી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં તા.૧૬ જાન્યુઆરીથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ અને ત્યારબાદ ૪૫ વર્ષથી ઉપરનાં ૬,૧૯,૧૪૧ લોકોને રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.
આ અંગે મીડિયાને વધુ વિગત આપતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, પાલનપુર શહેરના કોવિડ વૉર્ડમાં દાખલ દર્દીઓના આંકડા મેળવી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જેમા લગભગ ૫૦૦ જેટલા દર્દીઓ કોવિડ વૉર્ડમાં દાખલ છે, જેમાંથી એક જ એવા વ્યક્તિ છે જેમની ઉંમર ૪૫ વર્ષથી વધુ છે અને જેમણે રસીના બંને ડોઝ લીધેલા છે જેના પરથી નક્કી થાય છે કે, રસી એ સક્સેસ ફૂલ છે. જે લોકો રસી લઇ લે છે તેમને કોવિડ વૉર્ડમાં દાખલ થવું પડતું નથી. તેમણે કહ્યું કે, રસીકરણમાં જિલ્લામાં આજ સુધીમાં કુલ લક્ષ્યાં કના ૯૨ ટકા લક્ષ્યાં ક પૂર્ણ થઈ ગયો છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)