ગાંધીનગરના રાચરડાનો હેલ્થ વર્કર જીવન મરણના ઝોંલા ખાતો હતો તેમ છતાં તંત્રએ નોકરીમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો પૂછ્યો

ગાંધીનગરના રાચરડા પીએચસી સેન્ટરના હેલ્થ વર્કરની કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ અચાનક બીજા દિવસે તબિયત લથડતા અમદાવાદની સેલબી હોસ્પિટલમાં દાખલ થઈ જીવન મરણના ઝોંલા ખાતો હોવા છતાં તેમના જ વિભાગ દ્વારા સ્થિતિની ગંભીરતા જાણ્યા વિના નોટિસ ફટકારીને નોકરીમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો પૂછ્યો હોવાથી જિલ્લાના હેલ્થ વર્કરોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ગાંધીનગરના રાચરડા પીએચસી સેન્ટરમાં મલ્ટી પર્પજ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા નિલેશ અમરતલાલ ચૌહાણ ચાંદખેડા ખાતે પરિવાર સાથે રહે છે. જેમના પરિવારમાં પત્ની તેમજ એક 18 વર્ષીય પુત્ર તેમજ સાત વર્ષીય પુત્રી છે. કોરોના વોરિયર્સ તરીકેની ફરજ નિભાવતા નિલેશની તબિયત થોડી નાદુરસ્ત રેહતા તેણે રાચરડા પીએચસી સેન્ટરમાં ગત તારીખ 26મી એપ્રિલે રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે કોરોના નિગેટિવ હોવાનું નિદાન થયું હતું. જોકે તે વખતે સેન્ટર પરથી જરૂરી દવા લઈ પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.