જામનગર : લાલપુરના પડાણા ગામ પાસે પથ્થરના ઘા ઝીંકી યુવતીની ક્રૂર હત્યા

- અજ્ઞાત શખ્સો સામે હત્યાનો ગુનો
- યુવતીની ઓળખ હજુ થઈ નથી, ઓળખ માટે કવાયત
- અવાવરૂ જગ્યાએથી મોડીસાંજના સુમારે લોહીથી ખરડાયેલો મૃતદેહ મળ્યો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા-ઝાંખર માર્ગ પર અવાવરૂ સ્થળે કાંટાળા થોર પાસેથી કોઇ અજાણી પેન્ટ શર્ટ પેરેલી યુવતિનો પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. મૃતકના હાથમાં એસ ત્રોફાવેલો હોવાનું ખુલ્યું છે. પંથકની મજુર વસાહતો સુધી પોલીસે તપાસ લંબાવી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર-ખંભાળિયા હાઇવે પર પડાણા-ઝાંખર વાળા ગાડા માર્ગ પર કાંટાળ થોર પાસે અવાવરૂ જગ્યાએ કોઇ યુવતિ મૃત હાલતમાં પડી હોવાની મેઘપર પોલીસને જાણ કરાઇ હતી. જેના પગલે પીએસઆઇ કે.આર.સિસોદીયા અને ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાંથી પોલીસે લગભગ વીશથી પચીસ વર્ષની વયની અજાણી યુવતિનો માથાના ભાગે લોહીથી લથબથ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો અને તેને પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડ્યો હતો.
પોલીસની તપાસમાં માથાના ભાગે બોથડ પદાર્થ(પથ્થર)નો ઘા ઝીંકી હત્યા નિપજાવાઇ હોવાનું સામે આવ્યું હતું. મૃતક અજાણી યુવતિની હત્યા મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને ભોગ બનનાર યુવતિની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે. પોલીસે આજુબાજુની મજુર વસાહતો સહિતના સ્થળો સુધી તપાસ લંબાવી છે. મૃતક યુવતિના હાથમાં અંગ્રેજીમાં એસ ત્રોફાવેલ હોવાનું સામે આવ્યુ છે. ઓળખ સાંપડ્યા બાદ હત્યાની વધુ વિગતો સામે આવશે.
– રોહિત મેરાણી (જામનગર)