માલપુર : આખરે શું સમજવું લાલજી ભગતની હાર કે બુટલેગરોની જીત…?
માલપુર નગરમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા બંધ કરવા અને જો દેશી-વિદેશી દારૂના અડ્ડા ચાલુ જ રાખવા હોય તો માલપુર નગરથી ૫ કીમી દૂર ખસેડવામાં આવેની માંગ સાથે મામલતદારને દારૂબંધીની શખ્ત અમલવારી માટે રેલી સ્વરૂપે માલપુર ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવા ગુજરાત વાલ્મીકી સંગઠનના નેજા હેઠળ લાલજી ભગતે ચાર દીવસ અગાઉ ૬ જુલાઈએ રેલી માટે મંજૂરી માંગતા પોલીસતંત્રમાં હડકંપ મચ્યો હતો ત્યારે મંગળવારે એકાએક લાલજી ભગતે રેલી મુલત્વી રાખી હોવાનું જણાવતા લોકો આશ્ચર્ય ચકીત બની લાલજી ભગત સામે અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
કેટલાક લોકો લાલજી ભગત મીડિયામાં ચમકવા સ્ટંટ કર્યો હોવાનું જણાવી રહ્યા છે લાલજી ભગત બુટલેગરો સામે ઘૂંટણીયે પડ્યા કે તંત્રના દબાણ હેઠળ રેલી બંધ રાખી સહીત ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે લાલજી ભગત દારૂના અડ્ડા બંધ કરાવવા રેલી કાઢે તો સરકારની દારૂબંધીના ધજાગરા ઉડી જાય તેમ હોવાથી પહેલા દીવસથી જ પ્રશાસન તંત્ર રેલી બંધ રહે તેવા પ્રયત્નોમાં લાગ્યું હતું આખરે રેલી બંધ રહેતા માલપુર પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો છે. સમગ્ર ગુજરાતમાં વાલ્મીકી સમાજના તેમજ સફાઈ કામદારો, ગરીબ લોકોના પ્રશ્નોને વાચા આપતા અને માલપુર નગરના પ્રાણ પ્રશ્નો માટે તંત્ર સામે લડત ચલાવતા લાલજી ભગતે નગરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવવા રેલીનું આયોજન કર્યા પછી એકાએક રેલી બંધ રાખતા લોકોમાં અનેક સવાલ ઉભા થયા છે.
લાલજી ભગત બુટલેગરોની ધમકીથી ડરીને રેલી બંધ રાખી કે પછી અન્ય કોઈ કારણસર રેલી બંધ રાખવાની ફરજ પડી સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ આ અંગે લાલજી ભગત સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે માલપુરમાં ચાલતા દેશી-વીદેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે મંગળવારે નગરમાં રેલીનું આયોજન કર્યું હતું પરંતુ કેટલાક લોકોનું પરીવાર પર અસહ્ય દબાણ આવતા આખરે રેલી મુલત્વી રાખવી પડી છે જો કે કેટલાક લોકોના નામ આપવાનું કહેતા હસીને નામ ન આપવાનું જણાવ્યું હતું.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)