જામનગર જિલ્લામા સુશાસનના પાંચ વર્ષ’ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે યોજાશે ‘અન્નોત્સવ દિવસ’

• કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 177 એફ.પી.એસ. કેન્દ્રો પર લાભાર્થીઓને અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાશે
સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તા.1 થી 9 ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.
જે અંતર્ગત જામનગર જિલ્લામા ઉજવણી કાર્યક્રમના ત્રીજા દિવસે એટલે કે તા.03/08/2021ના રોજ ‘અન્નોત્સવ દિવસ’ની ઉજવણી કરવામા આવશે. જેમાં ‘અન્નોત્સવ દિવસ’નો મુખ્ય કાર્યક્રમ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધનવંતરી હોલ, જામનગર ખાતે યોજાશે તેમજ જામનગર શહેરના 16 વોર્ડ, તાલુકા કક્ષાએ 18 સ્થળોએ અને જિલ્લાના 177 એફ.પી.એસ. કેન્દ્રો ખાતે સવારે 10.00 કલાકે આ કાર્યક્રમ યોજાશે.
જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પરથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એન.એફ.એસ.એ. લાભાર્થીઓને અનાજ વિતરણ કરાશે. કાર્યક્રમમાં પ્રતિકરૂપે 50 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે અનાજ વિતરિત કરવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.