જામનગરના જોડિયા તાલુકામાં સાંબેલાધાર સાથે આજે ફરી મન મૂકી વરસ્યો મેઘો : 6 કલાકમાં 7.5 ઈંચ વરસાદ

જામનગર : સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજા જામનગર પંથક પર વધુ હેત ઉભરાવી રહ્યા છે. રાજ્યમાં આજે દિવસ દરમિયાન 113 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં જામનગરના જોડિયા તાલુકામાં સાડા સાત ઈંચ વરસાદ પડતા લોકોની હાલત કફોડી બની હતી.
જામનગરના જોડિયા તાલુકામાં ફરી એકવાર પૂર સ્થિતિ સર્જાઈ છે. જોડિયામાં આજે સવારથી જ વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 6 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ધ્રોલ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ફરીથી તોફાની બેટિંગની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જોડિયા પંથકમાં હજી પણ વરસાદનું તોફાની તાંડવ ચાલી રહ્યું છે. રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જો આવો ને આવો વરસાદ વરસતો રહેશે, તો જામનગરમાં ફરી પૂરની સ્થિતિ ઉદભવી શકે છે. ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અનેક વિસ્તારોમાં પાણીમાં ગરક થયા છે. 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદ ની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે.
જોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા તારાણા ગામ પાસે આવેલા આજી-4 ડેમના ત્રણદરવાજા બે ફૂટ ખોલવામા આવ્યા છે. ડેમની નીચાણમાં આવતા બાલંભા, રણજીતપર, હીરાપર, મોરાણા, તારાણા, માધાપર, સામપર, જામસર, માણામોરા, ભીમકટાના ગ્રામજનોને સાવચેત રહેવા માટે અપીલ કરવામા આવી છે. મજોઠ ગામ પાસે આવેલો ઊંડ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 3 દરવાજા 7 ફૂટ ખોલવામા આવતા જોડિયા, મજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, કુન્નડના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ના કરવા ચેતવણી આપવામા આવી છે.