દાહોદ પોલીસ દ્વારા 700થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ

- દાહોદ પોલીસ દ્વારા ચાર તાલીમ વર્ગો યોજી ચાર હજાર જેટલા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી
- પોલીસ મુખ્ય મથક ખાતે એસી શ્રી હિતેશ જોયસર અને ડીવાયએસી શ્રી પરેશ સોલંકીએ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવ્યો
દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે યુવાનો માટે યોજાયેલા સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો આજે પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે પ્રારંભ કરાવ્યો હતો. બે માસ સુધી ચાલનારા આ તાલીમ વર્ગમાં ૭૦૦થી વધુ યુવાનો ભાગ લઇ રહ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ચાર જેટલા વર્ગો યોજવામાં આવ્યા છે અને તેમાં ચાર હજાર જેટલા યુવાનોએ લાભ લીધો છે. તાલીમના પ્રારંભે યુવાનોને સંબોધન કરતા એસપી શ્રી જોયસરે જણાવ્યું કે, કોઇ પણ લક્ષ્યને સખત મહેનતથી જ પ્રાપ્ત કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લક્ષ્ય બનાવી તમામ યુવાનો તેને લગતી બાબતોમાં સખત મહેનત કરે તે જરૂરી છે.
ખાનગી સંસ્થાઓની સાપેક્ષે સરકારી નોકરીનું યુવાનોમાં આકર્ષણ વધુ છે. એક વખતની સારી મહેનતથી વ્યક્તિગત વિકાસની સાથે પરિવારનું ભવિષ્ય પણ સુરક્ષિત બને છે. તૈયારીની આડે આવનારા વિક્ષેપોને ઓળખી તેનાથી દૂર રહેવાની શીખ આપતા શ્રી જોયસરે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ મોબાઇલના વળગણથી દૂર રહેવું જોઇએ. મોબાઇલની પાછળ બિનજરૂરી સમયનો વ્યય થાય છે અને પરીક્ષામાંથી ધ્યાન પણ ભટકી જાય છે. એટલે, તૈયારી દરમિયાન જો મોબાઇલથી દૂર રહીએ તો સફળ થવાની શક્યતા વધી જાય છે. અતઃ સ્વયંશિસ્ત ખૂબ જ જરૂરી બની જાય છે.
તેમણે એમ પણ કહ્યું કે, આ તાલીમ વર્ગ બે માસ સુધી ચાલશે અને જો આવશ્યક્તા જણાય તો એક માસ વધારવામાં આવશે. હાલના તબક્કે સવાર અને સાંજ એમ બે બેચને બેબે કલાક તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. છાત્રોની ગ્રહણશક્તિની અનુકૂળતા જોઇને જરૂર પડે તો ત્રણ કલાકનો એક તાસ કરવામાં આવશે. બહારથી આવતા છાત્રોને સમયની અનુકૂળતા કરી આપવામાં આવશે. આ તાલીમ વર્ગના છાત્રોને પરીક્ષામાં ઉપયોગી નિવડે એવું સામાન્યજ્ઞાનને લગતું સાહિત્ય દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા આપવામાં આવ્યું છે. ઉદ્દઘાટન સત્રના અંતે આભાર વિધિ નાયબ પોલીસ અધીક્ષક શ્રી પરેશ સોલંકીએ કરી હતી. આ વેળાએ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે. સી. જાદવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : નિલેશ આર નિનામા (દાહોદ બ્યુરો)