દિવાળીની રજાનાં કારણે સુરતમાં તમામ ગૃપનાં રક્તની અછત વર્તાઇ

રક્તદાન એ મહાદાન ગણવામાં આવે છે. સુરત શહેરના લોકો રક્તદાન માટે હંમેશા આગળ રહે છે પણ હાલમાં દિવાળીની રજાઓને કારણે રક્તદાન કેમ્પ ખૂબ જ ઓછા થતા હોવાથી તમામ ગૃપના રક્તની અછત છે. રક્તદાતાઓ આ સમયે રક્તદાન માટે આગળ આવે તો જ આ અછત નિવારી શકાય તેમ છે. અને જરૃરતમંદોની તકલીફ દૂર થઇ શકે છે.શહેરમાં તમામ ગૃપના રક્તની અછતને પગલે થેલેસેમિયા, બ્લડ કેન્સર, સિકલસેલ એનેમીયા તેમજ આકસ્મિક ઇજાના દર્દીઓને મુશ્કલી પડી રહી છે. આ દર્દીઓને દર દસ-પંદર દિવસે કે અમુક દિવસે લોહી ચઢાવવામાં આવતું હોવાથી તેમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના નિતેશ મહેતા અને લોક સમર્પણ બેન્કના ડૉ.સુભાષ ખૈનીએ જણાવ્યું કે, પ્રતિવર્ષ દિવાળી વેકેશન દરમિયાન શહેરીજનો બહારગામ જતાં હોય છે, તેને પરિણામે રકતદાન શિબિરોનાં આયોજનો થઇ શકતાં નથી, આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો અન્ય સ્થળોએ ફરવા કે વતન ગયા હોવાથી શહેરમાં તા.1 થી 15નવેમ્બર દરમિયાન રકતદાન શિબિરનાંઆયોજનો નહીં થવાને લીધે રકતની વધુ પ્રમાણમાં અછત છે. ખાસ કરીને એ પોઝિટિવ અને એ-બી પોઝિટિવ રકત મેળવવું મુશ્કેલ બન્યું છે. નવી સિવિલના બ્લડ બેન્કનાં ડૉ.મયુર જરગ અને સ્મીમેરના ડૉ.અકિંતાબેન શાહે કહ્યું કે, દર્દીઓની જિંદગી બચાવવા માટે સેવાભાવી સંસ્થાઓ, મંડળો તથા સેવાભાવી વ્યકિતઓ સ્વૈચ્છિક રક્તદાન કરવાં આગળ આવવુ જોઇએ.
રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત