જામનગર: પતિ જે પ્રકારની લાઈફ સ્ટાઈલથી રહેતો હોય તો તેની પત્ની અને બાળકો પણ તે પ્રકારે જીવન નિર્વાહ કરી શકે – કોર્ટ નો મહત્વ પૂર્ણ ચુકાદો

– પરિણીતા અને તેની પુત્રીના ભરણપોષણમાં વધારો કરવા અંગેના કેસમાં જામનગરની અદાલતમાં મહત્વપૂર્ણ ચુકાદો
– પત્ની અને પુત્રીના 8000ના ભરણપોષણની રકમ વધારો કરીને માસિક 23 હજાર રૂપિયાનું ભરણપોષણ મંજૂર કરાયું
જામનગર ની એક પરિણીતા અને તેની પુત્રીના ભરણપોષણ અંગેના કેસમાં જામનગરની અદાલતે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, અને પતિ જે પ્રકારે ની લાઈફ સ્ટાઇલ થી રહેતો હોય તો તેની પત્ની અને બાળકોને પણ તે પ્રકારે જીવન નિર્વાહ કરી શકે તેમ જણાવી 8000ની ભરણપોષણની રકમમાં વધારો કરીને માસિક 23,000નું ભરણ પોષણ ચુકવવાનો આદેશ કર્યો છે.
જામનગરમાં રહેતી રોશનીના લગ્ન અમદાવાદમાં મહાનગરપાલિકામાં ઇજનેર તરીકે નોકરી કરતા કૃણાલ મુકેશભાઈ વારા સાથે 2006ની સાલમાં થયા હતા. જે લગ્નજીવન થકી એક પુત્રી માહી નો જન્મ થયો હતો.
લગ્ન પછીના થોડા સમય બાદ પતી કુણાલ દ્વારા રોશની બેન ને માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેથી પતિના ત્રાસના કારણે રોશનીબહેને અમદાવાદમાં આપઘાત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જે સંજોગો ને ધ્યાનમાં રાખીને રોશની બેન ના પિતા કે. ડી. મહેતા અમદાવાદ પહોંચી ગયા હતા, અને રોશની બેન તથા તેની પુત્રી માહીને જામનગર લઇ આવ્યા હતા.
ત્યાર પછી રોશનીબેન દ્વારા પોતાનું તથા પોતાની પુત્રીનું ભરણપોષણ મેળવવા માટે જામનગરની અદાલતમાં ડોમેસ્ટિક વાયોલન્સ ના કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે રોશની બેન તથા તેની પુત્ર માહીના ભરણપોષણ ના અભ્યાસ સહિતના ખર્ચને મળીને કુલ 8,000 રૂપિયા દર મહિને ચૂકવવા પતિને આદેશ કર્યો હતો.
જે ભરણપોષણની રકમ ખૂબ જ અપૂરતી હોવાનું જણાવી રોશનીબેન દ્વારા આ મામલે જામનગરની સેશન્સ અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેમાં રોશની બેન તરફથી રોકાયેલા વકીલ અશોક ડી નંદા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે પતિ કૃણાલ એન્જિનિયર હોય અને 77 હજાર જેટલો પગાર મળે છે. જેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ પતિના જીવનધોરણ મુજબ પત્ની અને બાળકો જીવન જીવી શકે તેવી રકમ ભરણપોષણ તરીકે મળવી જોઈએ તેવી દલીલો કરી હતી.