ભાવનગર વકીલ મંડળની રસાકસીભરી રીતે યોજાયેલ ચૂંટણી

ભાવનગર જિલ્લામાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું -કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે
રમત -ગમત જીવનમાં નીતિમત્તા, સ્પોર્ટ્સમેન સ્પિરીટ, એકતા અને જૂથ ભાવનાને પ્રબળ બનાવે છે-રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ*
ડબલ્સ ટૂર્નામેન્ટમાં કલેકટરશ્રી પણ એક ખેલાડી તરીકે સહભાગી થયાં
ટૂર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરતા કલેક્ટરશ્રી અને મહાનુભાવો
ભાવનગર જિલ્લામાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી ટેનિસ કપ ટૂર્નામેન્ટનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ડી.એમ.કપ ટેનિસ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, રમત તમારા જીવનમાં સ્ફૂર્તિ લાવે છે. દરરોજ એક કલાક રમત માટે ફાળવવાથી દિવસભર સ્ફૂર્તિ રહે છે. રમતમાંથી જે આનંદ મળે છે તે બીજે ક્યાંયથી મળતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, દિવસની એક કલાકની રમત તમારા જીવનમાં દસ વર્ષનો વધારો કરશે. કોરોના જેવા સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે. જે આવી મેદાની રમતો રમવાથી સહાયકારક પુરવાર થાય છે.
દેશમાં હજુ ટેનિસ જેવી રમતો લક્ઝરી રમત ગણાય છે પરંતુ ધીમેધીમે તેની શરૂઆત કરવાથી ઓલમ્પિક મેડલ સુધીની સફર ખેડી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કલેકટરશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપતાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં રમત-ગમત પ્રત્યેનો માહોલ બને અને વધુને વધુ લોકો આ રમતો પ્રત્યે જાગૃત બને તેવા ભાવ સાથે આ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે મોડી સાંજે રમાયેલી ડબલ્સ ટૂર્નામેન્ટમાં કલેકટરશ્રી પણ એક ખેલાડી તરીકે સહભાગી થયાં હતાં. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરશ્રી પણ ટેનિસની રમતના સારા ખેલાડી છે. તેઓ તેમના સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રદર્શનના જોરે ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યાં હતાં.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, અત્યારથી જ અંડર-૧૪, અંડર-૧૬ ના ખેલાડીઓ ટેનિસ રમશે તો તેઓ આગળ જતાં પોતાની પ્રતિભાને સાબિત કરી શકશે અને ભાવનગર જિલ્લાનું નામ દેશમાં રોશન કરશે. તેમણે આ ટૂર્નામેન્ટમાં સહભાગી થયેલાં ખેલાડીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.
રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવે જણાવ્યું કે, આપણું સદભાગ્ય છે કે, ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ટેનિસ જેવી રમતો માટેના વિશેષ કોર્ટ ઉપલબ્ધ છે.તેમણે ભાવનગરવાસીઓને તેનો વધુમાં વધુ લાભ લેવાં માટે અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે ભાવનગરમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે જેસર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ભાવનગર શહેરની મધ્યમાં આવેલ વિક્ટોરિયા પાર્ક સ્વર્ગ સમાન છે.
રાજ્ય સરકાર દ્વારા સરસ સિન્થેટિક ટ્રેક ભાવનગર ખાતે બનાવી આપવામાં આવ્યો છે ત્યારે તેનો વધુમાં વધુ ઉપયોગ કરીને ટેનિસની નવી પરંપરા શરૂ કરવાની જરૂરિયાત છે. જેની શરૂઆત આ ટૂર્નામેન્ટથી થઈ ચૂકી છે.
તેમણે જણાવ્યું કે, રમતગમતમાં હાર-જીત અગત્યની નથી પરંતુ રમતના મેદાનમાં ઉતરવું એ અગત્યનું છે.રમત -ગમત જીવનમાં નીતિમત્તા, સ્પોર્ટ્સમેન સ્પિરીટ, એકતા અને જૂથ ભાવનાને પ્રબળ બનાવે છે.
સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ આ ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટમાં જેમાં સબ જૂનિયર બોયઝ અને ગર્લ્સ, અંડર-૧૪ બોયઝ અને ગર્લ્સ, અંડર-૧૭ બોયઝ અને ગર્લ્સ, જૂનિયર્સ ડબલ્સ, મેન્સ ઓપન સિંગલ્સ, વુમન્સ ઓપન સિંગલ, મેન્સ ઓપન ડબલ્સ, મિક્સ ડબલ્સ,૩૦ વર્ષથી ઉપરનાની સિંગલ્સ અને એક નવતર પગલારૂપે આઝાદીનાં ૭૫ વર્ષ જેવી વિવિધ શ્રેણીઓમાં ટૂર્નામેન્ટ રમાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના નેતૃત્વમાં ભાવનગર ખાતે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ આ બીજી ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ ચાલી રહી છે. ‘ખેલેગા ઇન્ડિયા- જીતેગા ઈન્ડિયા’ની આધારે ગુજરાતમાં ‘રમશે ગુજરાત- જીતશે ગુજરાત’ ની તર્જ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ શારીરિક ક્ષમતાનું નિદર્શન કરતી રમતોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટમાં ૮૦ જેટલી વિવિધ રમતોમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૩૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ કપની પુર્ણાહૂતિ પ્રસંગે પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા,મદદનીશ કલેકટરશ્રી પુષ્પલતાએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં.
આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે. પટેલ, પુરવઠા અધિકારીશ્રી ભૂમિકા વાટલિયા સહિતના અધિકારીઓ- કર્મચારીઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાં માટે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ:ઈમ્તિયાઝ હવેજ,ભાવનગર