જામનગર ના મૂંગણી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા 36 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા એક યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટુંકાવી લીધી છે. જેમાં આર્થિક સંકળામણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા નિતેશ અમરાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દેતાં ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશ અમરાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક યુવાન પોતે ડ્રાઇવિંગ કામ સાથે જોડાયેલો હતો, અને ફાઇનાન્સમાં ટ્રક મેળવ્યા હતા. પરંતુ હાલમાં આર્થિક સંકળામણ અનુભવતા હોવાના કારણે તેણે આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન કરાયું છે. જે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.