જામનગરમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે વધુ એક શખ્સ મોરકંડા રોડ થી ઝડપાયો

જામનગર ની સાયબર ક્રાઇમની સધન તપાસથી ભારે ફફડાટ ફેલાયો છે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી મોબાઇલમાં રાખવા, વાયરલ કરવા, સાઇટ સર્ચ કરવા એ ગુનાને પાત્ર છે.જામનગર ઇન્ચાર્જ એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સોશ્યલ મિડીયાને લગત ગુન્હાઓ અટકાવવા, શોધી કાઢવા તા. ૧૮-૬થી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત છે જે અનુસંધાને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ પોલીસ મહાનિરીક્ષક તથા રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક કચેરી તરફથી બાળકોને લગત એડલ્ટસ ગુન્હાઓ અટકાવવા અને જરૂરી કાર્યવાહી માટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સ અત્રે મોકલવામાં આવી હતી જેથી જામનગર સાયબર ક્રાઇમ દ્વારા આ દિશામાં તપાસ કરીને તાજેતરમાં ગોકુલનગરના શખ્સને પકડી લીધો હતો.
દરમ્યાનમાં તપાસ લંબાવીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ શકમંદ શખ્સ જામનગરના દંગાવાડી મોરકંડા રોડ પર ડાંગરવાડા ખાતે રહેતા જયંતીલાલ કરશન પરમાર (ઉ.વ.૪૫)ના ઘરે રૂબરૂ જઇ તપાસ કરતા આ શકમંદ પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ મોબાઇલ મળી આવ્યો હતો જે મોબાઇલ ચેક કરતા ફોનમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગત એડલ્ટ વિડીયો તથા ફોટા અને વોટસએપ સ્ટીકર મળી આવ્યા હતા જેથી મોબાઇલ કબ્જે લઇ આગળ તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇટી એકટ કલમ ૬૭બી મુજબ ગુન્હો દાખલ કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એલ. ગાધે, પીએસઆઇ એ.આર. રાવલ, સ્ટાફના એએસઆઇ ડી.જે. ભુસા તથા ચંપાબેન વાઘેલા, ભગીરથસિંહ જાડેજા, બિપીનકુમાર દેસાણી, ધર્મેશભાઇ વનાણી, રાજેશભાઇ પરમાર, રાહુલભાઇ મકવાણા, કલ્પેશભાઇ મૈયડ, વિકીભાઇ ઝાલા, કનુભાઇ હુંબલ, ગીતાબેન હિરાણી, ચંદ્રીકાબેન ચાવડા, નિલમબેન સીસોદીયા દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સગીર વયના બાળકોના બિભત્સ દ્રશ્યોમાં કે અભદ્ર રીતે યૌન કામમાં કોઇપણ રીતે દર્શાવવામાં આવેલ એડલ્ટ ફોટા કે વિડીયો મોબાઇલમાં રાખવા કે સોશ્યલ મિડીયા, ફેશબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ કે અન્ય કોઇ એપના માઘ્યમથી અન્ય કોઇ વ્યકિતને મોકલવા, શેર કરવા કે મોબાઇલમાં સંગ્રહ કરવો એ ગુન્હાને પાત્ર છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, સાયબર ક્રાઇમની ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે સધન તપાસના કારણે ફફડાટ ફેલાયો છે. આ દિશામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.