રામ સવારીના આયોજન માટે સંતો મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અંતિમ બેઠક યોજાઇ

છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં આવતીકાલે રામનવમીના પર્વને અનુલક્ષીને રામ સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે શોભાયાત્રાને આખરી ઓપ આપવા માટેની એક અગત્યની અને અંતિમ બેઠક રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજવામાં આવી હતી, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી અને હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ શોભા યાત્રા સંદર્ભે માર્ગદર્શન આપી સર્વે રામ ભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા. આ વેળાએ હિન્દુ ઉતસ્વ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, જામનગર 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), લોહાણા જ્ઞાતિના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના પ્રારંભમાં મહાદેવ હર મિત્ર મંડળ પ્રમુખ રાજુભાઇ વ્યાસ દ્વારા શોભાયાત્રાના રૂટ અંગે જાણકારી આપી હતી, અને શોભાયાત્રામાં જોડાનારા ફ્લોટ્સ તેમજ અનેક વિસ્તારમાં ભગવાન શ્રીરામની ઝાંખી ઊભી કરનારા મંડળ તેમજ શોભાયાત્રાનું સ્વાગત કરનારા વિવિધ સંગઠનો, અને પ્રસાદ વિતરણ કરનારા મંડળોની યાદી જાહેર કરી હતી. આ ઉપરાંત જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો પ્રમુખ હિરેન ભાઈ ત્રિવેદી, તેમજ અન્ય હોદ્દેદારો કિંજલભાઈ કારસારિયા, સૂચિતભાઈ બારડ, પરેશભાઈ ફલિયા વગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિના નવા હોદ્દેદારોનું પણ સન્માન કરાયું હતું.
જામનગરના 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના માતૃશ્રીના સ્મરણાર્થે આગામી 1લી મેથી 8મી મે સુધી વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ વિશેની જાણકારી આપીને સર્વે રામ ભક્તોને ભાગવત સપ્તાહનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવાયું હતું, સાથોસાથ પ્રતિદિન મહાપ્રસાદ વિતરણ વ્યવસ્થામાં જામનગર શહેરના તમામ રામ ભક્તોને જોડાવા માટેની અપીલ કરવામાં આવી હતી.
ત્યારબાદ રામ સવારીમાં જોડાનારા સતવારા સમાજના બાર વર્ષના બાળક હાર્દિક કણઝારીયા કેજે લાઠી દાવમાં નિપુણ છે, જેના લાઠીદાવના હેરત ભર્યા પ્રયોગો આ બેઠકમાં રજૂ કરાયા હતા. જે બાળક નાનુ છે, તેમ છતાં સતવારા સમાજના અનેક મોટા રામ ભક્તોને માર્ગદર્શન આપીને લાઠીદાવ શીખવાડી રહ્યો છે. જેનો પ્રયોગ નિહાળીને સમગ્ર રામ ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.