માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માત : 5 ના મોત

મોરબીના લોહાણા સમાજના એક જ કુટુંબના ચાર સહિત પાંચ લોકોને કાળ ભેટી ગયો : કચ્છના પરિવારના એક ડઝન લોકો ઇજા ગ્રસ્ત
લોહાણા સમાજના અગ્રણી અને રાજયમંત્રી પણ મોરબી સિવિલ હોસ્પિટલે દોડી ગયા : લોકોના ટોળેટોળા
મોરબી : મોરબી માળીયા હાઇવે આજે રક્ત રંજીત બન્યો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટયા બાદ બીજી ગાડી સાથે અકસ્માત થવાની સાથે કચ્છ તરફ જતી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ગાડી અથડાતા આ ગમખ્વાર અકસ્માતમાં મોરબીના લોહાણા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ નિપજવાની સાથે ડઝનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.અકસ્માતની ઘટનાની જાણ થતાં રાજયમંત્રી મેરજા, સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યાંમાં સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલ હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષભાઈ રવેશિયાના માતાપિતા અને તલાટી કમ મંત્રી એવા બહેનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકોમાં મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર એક ડઝન જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તલાટી કમ મંત્રી જિજ્ઞાબેન જોબનપુત્રા મોરબીના ભળીયાદ ખાતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. આ ગંભીર અને ગમખ્વાર અકસ્માતની જાણ થતાં રાજયમંત્રી મેરજા, સહકાર અગ્રણી મગનભાઈ વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોરબી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756