જૂના અને નવા મોબાઇલ ખરીદ વેચાણ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાના રહેશે

શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા, પાલનપુરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જૂના, નવા મોબાઇલ વેચનાર તેમજ સીમકાર્ડ વેચનાર દુકાનદાર, રીટેલર ધ્વારા નીચે મુજબના નમુનામાં રજીસ્ટર નિભાવવાના રહેશે.
- બનાસકાંઠા જિલ્લામાં કોઇપણ દુકાનદાર ઇસમ જૂના/ નવા મોબાઇલ ફોન ગ્રાહકો પાસેથી ખરીદ/વેચાણ (આપ-લે) કરે તો જે તે ગ્રાહકનું પૂરેપૂરૂ નામ, સરનામું તથા આઇડી પ્રુફ ફરજિયાત મેળવવાનું રહેશે.
- બનાસકાંઠા જિલ્લામાં જૂના મોબાઇલ ફોનની ખરીદ/ વેચાણ (આપ-લે) કરતા દુકાનદારે આ અંગે જરૂરી માહિતીના અલગ અલગ રજીસ્ટરો નિભાવવાના રહેશે અને રજીસ્ટરો તપાસનીશ એજન્સી જોવા માંગે ત્યારે રજુ કરવાના રહેશે.
- બનાસકાંઠા જિલ્લામાં નવા સીમકાર્ડનું વેચાણ કરતી વખતે રજીસ્ટર નિભાવવાની સાથે સીમકાર્ડ ખરીદનાર આઇ ડી પ્રુફની નકલ મેળવવાની રહેશે.
આ ઉપરાંત જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓ જૂના મોબાઇલ લેતા પહેલાં મોબાઇલ વેચનારનું તથા જૂના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગેનું પુરૂ નામ-સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવેલ હોઇ અને તે માટે જૂના મોબાઇલ ખરીદ/ વેચાણ માટે વેપારીઓએ અલગ-અલગ રજીસ્ટર નિભાવવાના રહેશે.
જેમાં જૂના મોબાઈલ ખરીદી/ વેચાણ માટે વેપારીએ નિભાવવાનું રજિસ્ટરમાં મોબાઈલની વિગત/ કંપનીનું નામ, I.M.E.I. નંબર, મોબાઈલ વેચનાર/ ખરીદનારનું નામ/ સરનામુ, આઈ.ડી. પ્રુફની વિગત તેમજ નવુ સીમકાર્ડ વેચાણ માટે વેપારીએ નિભાવવાનું રજિસ્ટરમાં સીમકાર્ડની વિગત, સીમકાર્ડનો નંબર, ખરીદરનારનું નામ, આઈ.ડી.પ્રુફ, ખરીદનારની સહી. આ રજીસ્ટરો દુકાનદારે પાંચ વર્ષ જાળવવાના રહેશે.
આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.