રાજકોટ જીલ્લા પંચાયત ખાતે પ્રમુખ, ડીડીઓ તેમજ સમિતિ ચેરમેનોની ઉપસ્થિતિમાં યોજાયેલ સમીક્ષા બેઠક

- જે કર્મચારીઓ મોડા આવે છે તેની સામે શિક્ષાત્મક પગલા લેવા કડક શબ્દોમાં સુચનાઓ : ભૂપત બોદર, દેવ ચૌધરી
રાજકોટ જીલ્લા પંચાયતમાં ભુપતભાઈ બોદરના અધ્યક્ષતામાં અને જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં મળેલ સમીક્ષા બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા જેમાં જે કર્મચારીઓ મોડા આવે છે તેની સામે શિક્ષાત્મક પગલા લેવા તેમ છતાં એકનો એક કર્મચારી ત્રણ દિવસથી વધારે મોડા આવે તો શાખા અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા કડક શબ્દોમાં પ્રમુખ અને ડીડીઓ દ્વારા સુચનાઓ આપવામાં આવેલ. તેમજ આગામી વર્ષાઋતુને ધ્યાને લઈ શાળાઓના ઓરડા, આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગોની સ્થિતિની સમિક્ષા કરી જયાં જરુરી લાગે ત્યાં મરામત કરવા તેમજ જરૂરી લાગે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા સુચનાઓ આપી.
વર્ષાઋતુ દરમિયાન ખેતીવાડી ક્ષેત્રે નુકશાન થાય તો તે અંગે સર્વે ટીમ સ્ટેન્ડ બાય રાખવા સુચનાઓ આપી આ ઉપરાંત પશુ પાલન વિભાગ પાસે વર્ષાઋતુ દરમિયાન પશુઓ માટે જરૂરી તમામ દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવો તેમજ સિંચાઈ વિભાગના ડેમો છે ત્યાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે પ્રયાસો કરવા તેમજ જીલ્લા પંચાયતની વિવિધ શાખાઓની શાખાવાર કામગીરીની સમીક્ષા કરવામા આવી. સુશાસન પર્વ નિમતે તમામ વિભાગોમા નવા મંજુર થયેલા કામો જે વિસ્તારમાં મંજુર થયેલા છે તેનો પ્રચાર જે તે વિસ્તારમાં કરી ગ્રામ્ય વિસ્તારના લોકોને વિકાસ કાર્યો અંગે માહિતી આપવી.
કુપોષિત બાળકોની વિગત લઈ જરૂરિયાત પડે ત્યાં જેતે વિસ્તારના દાતાઓની યાદી બનાવવા અંગે સુચના આપવામાં આવેલ હતી. વિવિધ શાખાઓના ૨૨/૨૩ ના વર્ષમાં કરેલ જોગવાઈ સામે થયેલા ખચઁની વિગતો તથા વર્ષ ૨૩/૨૪ મા કરેલ જોગવાઈ સામે કરવામાં આવેલ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પ્રમુખ ભુપતભાઈ બોદર, ડીડીઓ દેવ ચૌધરી, ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, સિંચાઈ સમીતી ચેરમેન જયંતીભાઈ બરોચીયા, આઇસીડીએસ ચેરમેન સુમિતાબેન ચાવડા તથા વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(ગિરીશ ભરડવા) રાજકોટ