વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, રાજકોટ દ્વારા યોજાઈ “સાયકલોથોન”

પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) રાજકોટનાં પ્રાદેશિક કાર્યાલય દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે “મિશન લાઇફ” પ્રોજેક્ટ અંતર્ગત બાલભવન ગેટ, રાજકોટ ખાતે “સાયક્લોથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પર્યાવરણ જાગૃતિનાં જુદા જુદા સંદેશાઓની પ્રસ્તુતિ કરતાં બેનર સાથે સાયકલોથોન બાલભવન ગેટથી શરૂ કરીને કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, પોલીસ હેડક્વાર્ટર સર્કલ, એરપોર્ટ રોડ સર્કલ, જી.પી.સી.બી. પ્રાદેશિક કચેરી થઈને બાલ ભવન ગેટ પર પૂર્ણ થઇ હતી. પર્યાવરણ માટે દૈનિક જીવનમાં શક્ય એટલા તમામ ફેરફારો કરવા માટે કલેકટર સહીત તમામ સહભાગીઓ તથા આયોજકોએ શપથ લીધા હતા.
આ “સાયક્લોથોન”માં નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સહિત ૨૦૦ જેટલા સાયકલ સવારોએ ભાગ લીધો હતો, જે તમામને ડિજિટલ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ તકે રજિસ્ટર્ડ થયેલા રિસાયકલર્સને “વેસ્ટ પ્લાસ્ટિક” આપીને “ઝીરો વેસ્ટ” કાર્યક્રમનું મહત્વ સમજાવાયું હતું.
(ગિરીશ ભરડવા) રાજકોટ