‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે ‘ભક્તિમાર્ગ પ્રવર્તક શ્રી રામાનુજાચાર્ય’ વિષય પરનું 102મું પ્રવચન

શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે, કળિયુગમાં ક્યાંક ક્યાંક નારાયણપરાયણ માણસો થશે. પણ દ્રવિડમાં ઘણા થશે. ત્યાં તામ્રપર્ણી, કૃતમાલા, પયસ્વિની, કાવેરી નદીઓ વહે છે. જે મનુષ્ય આ નદીઓનું પાણી પીએ છે તેઓ ખાસ કરીને પવિત્ર હૃદયવાળા અને ભગવાનની ભક્તિવાળા હોય છે. આ નદીઓના પ્રદેશમાં જેમનો જન્મ એટલે ભક્તિમાર્ગીય પ્રવર્તક શ્રી રામાનુજાચાર્ય. ભારતના ધાર્મિક, આધ્યાત્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં અતિ મહત્ત્વપૂર્ણ મહાપુરુષ હતા શ્રી રામાનુજાચાર્ય. જેઓએ વિશિષ્ટાદ્વૈત વૈષ્ણવ સિદ્ધાંતનું સ્થાપન કરી, ભક્તિ પ્રત્યેની આસ્થાને જ્ઞાનની ભૂમિકા પર સ્થાપી, હિંદુ ધર્મની સંગીનતા સમજાવી લોકોને ધર્માભિમુખ રાખવાનું ભગીરથ કાર્ય કર્યું, ગહન તત્ત્વજ્ઞાનને ભક્તિમાર્ગમાં ઢાળીને સરળ, લોકભોગ્ય અને રસપ્રદ બનાવ્યું, મનુષ્યોની સમાનતા પર ભાર મૂક્યો. માનવતાવાદ, વ્યવહારું તત્ત્વજ્ઞાન અને વૈષ્ણવ-ભક્તિ એ શ્રી રામાનુજની મોટી ભેટ.
એક પ્રગાઢ ચિંતક અને તત્ત્વજ્ઞાની સાથે સાથે યુગપુરુષ પણ ખરા. તત્કાલીન સુધારાવાદી બ્રાહ્મણ, સાધુતા અને વિનમ્રતા સભર આકર્ષક વ્યક્તિત્વ, વિશ્વકોશ જેવા જ્ઞાની, અજોડ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, ભક્તિની અદભૂત ઉત્કટતા ધરાવતા કવિ, હતાશ થયેલા લોકોમાં ભક્તિની ગંગા વહેવડાવી પ્રેમરસમાં ભીના કરનાર, બહુ-સન્માનિત ગુરુ, સતત પ્રવાસી. શ્રી રામાનુજાચાર્ય રામના અનુજ લક્ષ્મણ અર્થાત શેષજીનો અવતાર કહેવાય. તેઓ નાથમુનિએ સ્થાપેલ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય હતા. તેમનો સંપ્રદાય શ્રીસંપ્રદાય કહેવાયો. 11 સદીમાં તેમની ભક્તિ પરંપરા, તેમના પ્રંચડ કાર્યનો એવો પ્રબળ પ્રભાવ પડ્યો કે તે સમયથી વિશિષ્ટાદ્વૈત મત અને શ્રી રામાનુજ મત એકમેકના પર્યાય બની ગયા. 120 વર્ષનું દીર્ધાયુ આયુષ્ય ભોગવી પૃથ્વી પર વસતા અધ્યાત્મના લાખો ચાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું અને લોકોમાં સનાતન ધર્મને ફરીથી સન્માનિત કર્યો.
એવી ભારતવર્ષની સમગ્ર સંસ્કૃતિ પર ભક્તિમાર્ગનો પ્રભાવ પાડનાર, પ્રખર વિદ્વાન, યુગપ્રવર્તક, અભૂતપૂર્વ વ્યક્તિત્વ ધરાવનાર શ્રીરામાનુજાચાર્યના પવિત્ર, પ્રતિભાશાળી અને લોકોત્તર જીવનની ઝાંખી તેમજ તેમના તત્ત્વજ્ઞાન વિશે જાણવા માટે આર્ષ, ત્રૈમાસિક પ્રવચનમાળા, પ્રવચન-102માં તારીખ-24/06/2023, શનિવારના રોજ સાંજે 4.30 થી 7.00 દરમિયાન, અક્ષરધામ, ગાંધીનગર, હરિમંદિર સભાગૃહ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુરના અધ્યાપક એવા વિદ્વાન સંત પ્રો. પૂ. બ્રહ્મમનનદાસ સ્વામી ભક્તિમાર્ગ પ્રવર્તક શ્રી રામાનુજાચાર્ય વિષયક વક્તવ્ય આપશે. સાથે સાથે સદ્ગુરુ સંતવર્ય પૂ. વિવેકસાગરદાસ સ્વામીના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે. જેનો લાભ લેવા સર્વે શ્રોતાજનોને ભાવભીનું નિમંત્રણ છે.