ગાંધીનગરમાં ‘યોગ સે સમગ્ર યોગ’ પ્રદર્શનીનું જનતા માટે આયોજન કરવામાં આવ્યું

- હિમાલયન સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા યોગાસન-ધ્યાન પહેલા અને બાદની અસરો અંગેના ઓરા રિસર્ચ રીપોર્ટ વિના મુલ્યે કરવામાં આવ્યા
- ઝોનલ આચાર્ય ડો વિપુલભાઈ અને અનુજાબેનના સરસ માર્ગદર્શન હેઠળ જાહેર ‘યોગ સે સમગ્ર યોગ‘ માર્ગદર્શન આપવામાં આવ્યું
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અનુસાર કેવળ યોગાસન યોગ નથી. પરંતુ ઋષિ પતંજલિજી દ્વારા લિખિત યોગદર્શન મુજબ અષ્ટાંગ યોગનાં આઠ પગથિયાં છે. જેમાં ધ્યાનનો પણ સમાવેશ છે. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પામી શકાય છે. સમગ્ર યોગનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. આસનએ યોગનું એક માત્ર પગથિયું છે. યોગ ખરા અર્થમાં ખૂબ બહોળો વિષય છે, જે આજના સમયમાં જનસામાન્ય સુધી પહોંચવો અત્યંત આવશ્યક છે, કારણ કે સમગ્ર યોગની ખરી સમજએ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. ગાંધીનગર મહાનગરપલિકા તથા હિમાલયન સમર્પણ ધ્યાનયોગ પરિવારના ઉપક્રમે તારીખ ૨૧ જૂન ૨૦૨૩ના દિવસે સેક્ટર-૧૨ના બગીચામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સૌ નાગરિકો એ ભારત સરકાર દ્વારા સૂચિત 'કોમન યોગ પ્રોટોકોલ' અનુસાર યોગ પ્રશિક્ષક શ્રી વિરમદેવજી, જગદીશભાઈ તથા ઇન્દ્રવદન ભાઈ ના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ ની વિશેષતાએ હતી કે ત્યાં યોગાસન પહેલા અને યોગાસન બાદ તથા ધ્યાનથી ઓરા (આભામંડળ)માં થતી અસર અંગેનું સંશોધન તથા માર્ગદર્શન ડોકટર વિપુલભાઈ, યોગાચાર્ય લલિતભાઈ, ડૉ. ભાર્ગવીબેન અને ઓરા તજજ્ઞ શ્રી કેયુરભાઈ તથા હેમાલીબેન દ્વારા લાઈવ ઓરા સ્કેનિંગ અને ઓરા રિપોર્ટના માધ્યમથી આપવામાં આવ્યું હતું. યોગાભ્યાસ બાદ સંપૂર્ણ યોગ ની સમજ હેતુસર 'યોગ સે સમગ્ર યોગ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરની યોગ માટે જાગૃત જનતાએ વહેલી સવારમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.
રિપોર્ટ : શૈલેષ ચૌહાણ (ગાંધીનગર)