ભિલોડાના માંકરોડા પાસે ખેતરના ઘાસમાં આગ ભીષણ આગમાં ઘાસ બળીને ખાખ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
ભિલોડા તાલુકાના માંકરોડા ગામમાં આવેલ ખેતરમાં રખાયેલ પશુઓ માટેના ઘાસમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં ખેતર માલિક હાંફળો ફાંફળો બની ગયો હતો. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસમાંથી દોડી આવેલા સ્થાનિકોએ આગ ઓલવવા માટેના પ્રયાસ કર્યા હતા. પશુઓ માટે રખાયેલ ઘાસ બળીને ખાખ થઈ જતાં ખેડૂત પરિવાર ભાંગી પડ્યો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર ભિલોડા તાલુકાના માંકરોડા ગામમાં આવેલ ખેતરમાં ઢાળિયું બનાવીને ખેડૂતે પશુઓ માટે ઘાસચારો ભરી રાખ્યો હતો. ત્યારે અચાનક જ કોઈ અગમ્ય કારણોસર ઢાળિયામાં આગ લાગી જતાં સુકું ઘાસ ભડભડ બળીને ખાખ થઈ ગયું હતું. ઘાસમાં આગ લાગવાને પગલે આસપાસમાંથી સ્થાનીકોએ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે સ્થાનિકોએ ચલાવેલા પાણીના મારાથી પણ ઘાસ બચાવી શકાયું નહોતું અને સ્થાનિકોના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ખેતરના તબેલામાં પશુઓ માટે ઘાસ રાખવામાં આવ્યું હતું ત્યારે આગની લપટોમાં ઘાસ બળીને ખાખ થઈ જતાં ખેડૂત પરિવારને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.