નિસર્ગ કમ્યુ. સાયન્સ સૅન્ટર દ્વારા નૅશનલ ચિલ્ડ્રન કોંગ્રેસ યોજાશે

(પ્રતિનિધિ) ગાંધીનગર,
નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સૅન્ટર દ્વારા પ્રતિવર્ષ યોજાતી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ આ વર્ષે પણ યોજાઈ રહી છે. આ વર્ષનો મુખ્ય વિષય ‘સ્વચ્છ, હરિયાળા અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન, ટૅકનોલોજી અને નવિનીકરણ’ રાખવામાં આવ્યો છે. જેમાં પાંચ પેટા વિષયો પણ રાખવામાં આવ્યા છે.
૧. ઇકોસિસ્ટમ અને ઇકોસિસ્ટમ સેવા,
૨. આરોગ્ય, સ્વાસ્થ્ય શાસ્ત્ર અને સ્વચ્છતા,
૩. કચરામાંથી કંચન – વેસ્ટ ટુ વેલ્થ,
૪. સમાજ, સંસ્કૃતિ અને આજીવિકા,
૫. પરંપરાગત જ્ઞાન પ્રણાલી.
આ પેટા વિષયોને આધીન વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે. કેવાં પ્રેઝન્ટેશન રજૂ કરી શકાય તે માહિતીનો પ્રસાર કરવા શિક્ષક તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી અને ગાંધીનગર જિલ્લાના ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના સંયોજક ડા. અનિલ પટેલે શિક્ષકોને વિષય પસંદગીથી માંડીને સંશોધનના હેતુઓ, કાર્યપદ્ધતિ, તારણો વગેરે વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. ૮૫ જેટલા શિક્ષકોએ આ તાલીમ પ્રાપ્ત કરી હતી. ગાંધીનગરમાં વસતા ૧૦થી ૧૭ વર્ષનાં બાળકો આ પ્રોજેક્ટમાં ભાગ લઈ શકશે અને પોતાનું સંશોધન રજૂ કરી શકશે. આ અંગેની વધુ માહિતી માટે નિસર્ગ સાયન્સ સેન્ટર (ફોન ઃ ૨૩૨૩૫૨૧૫, મો. ૯૪૨૬૪ ૫૧૧૦૨)નો સંપર્ક કરવા આ અંગેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.