લઘુશંકા કરવા ગયેલ વૃદ્ધા પર ૭ ફૂટની દીવાલ કૂદી દીપડાએ હુમલો કર્યો

ખાંભા,
ખાંભાના મોટા સરકડીયા ગામે ઘરમાં એકલી વૃદ્ધા ૭ ફૂટની દીવાલ કૂદી દીપડાએ હુમલો કર્યો હતો. વહેલી સવારે ૭૦ વર્ષીય સમજુબેન ઘુસાભાઇ ખુંટ ઘરની બહાર લઘુશંકા કરવા નીકળ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. ડાબા હાથના કોણીથી પંજા સુધી દીપડાએ બચકા ભરી લીધા હતા અને કપાળના ભાગે ત્રીજું બચકું ભરી લીધું હતું. હુમલો થયો હોવા છતાં મહિલાએ દીપડા સામે વળતો પ્રહાર ધક્કો મારી ભગાડ્યો હતો.
હુમલો કર્યા બાદ વૃદ્ધા મકાનની ઓસરીમાં જતા રહ્યા હતા છતાં દીપડો તેની સામે ૩૦ મિનિટ સુધી બેઠો હતો. મહિલાના મોઢામાંથી અવાજ નીકળ્યો નહોતો. બાદામાં શેરીમાંથી કોઇ વાહનચાલક નીકળતા વૃદ્ધાએ હાકલા પડકારા કરતા તેઓ દોડી આવી દીપડાને ભગાડ્યો હતો. વન વિભાગને વહેલી સવારે આ ઘટના અંગે જાણ કરવા સતત સંપર્ક કર્યો તેમ છતાં વન વિભાગ દ્વારા કોઇ જ રિસ્પોન્સ મળ્યો નહોતો. ઘટના અંગે જાણ કરવા છતાં વનવિભાગના એક પણ અધિકારી કે કર્મચારી ડોકાય નહીં.