હાંસોટના સુણેવકલ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવક્લ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ જશુબેન પટેલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી ભરતભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ માલતીબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ધ્વારા ગ્રામ પંચાયતના નવા મકાનને રિબીન કાપીને ખૂલ્લૂ મુકવામાં આવ્યું હતું. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર સૌનો સાથ – સૌના વિકાસને અપનાવીને સમાજના દરેક વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિકતા આપી છે. તેમણે છેવાડાના નાગરિકોના પ્રશ્ર્નો માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી સુણેવકલ્લા ગામે તથા હાંસોટ – અંકલેશ્વર તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી. તેમણે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક ધ્વારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં “ સંવેદના વન ” નિર્માણના કાર્યક્રમના ભાગરૂપે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા આગેવાન, શ્રી મગનભાઈ વસાવા, શ્રી અજીતભાઈ પટેલ, હિતેન્દ્ર સોલંકી, શ્રી સુરેશભાઈ પટેલ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, આગેવાન-પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.