સેવાની સરવાણી મુંબઈ થી વડોદરા સુધી: ખાર ગારમેન્ટ એસોસિએશને કપડાંની ૯ હજાર જોડ મોકલી

વડોદરા,
ગુજરાતી જન એની બીજાનું દુઃખ ભાંગવાની માનવતા સભર વિચારધારા અને પરોપકારની નિષ્ઠા માટે જગ જાણીતો છે.આ અડગ સદભાવના નો પુરાવો મુંબઈના ખાર ગારમેન્ટ એસોસિએશને આપ્યો છે.તેમના દ્વારા વડોદરાના પુર પીડિતો માટે રૂ. દશ લાખથી વધુ કિંમતના નવાનક્કોર કપડાંની નવ હજાર જોડ મોકલી આપવામાં આવી છે અને હાલમાં કોર્પોરેશન સાથે સંકલન થી અસરગ્રસ્તો ને એનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મદદ ના રૂપમાં ક્યારેય કોઈને ઉતરેલા કપડાં ના આપવા એવો આ મંડળનો વણ લખ્યો નિયમ છે. એવું કહીએ તો ચાલે કે એક દાયકા થી આ મંડળનું સુકાન સંભાળતા સવજીભાઈ બેરાએ મંડળના સદસ્ય મહાજનોના સહયોગ થી એમના મંડળને સમાજ સેવાની પરબ બનાવી છે.મંડળ સાથે સંકળાયેલા અને દાહોદના નાયબ મામલતદાર શ્રી હાર્દિક જોશી જણાવે છે કે જરૂરિયાતમંદોની વસ્ત્ર સેવા માટે આ મંડળે હાલના મહિનાઓમાં જ ૨૦૦૦૦ વસ્ત્રોની જોડી ગુજરાત મોકલી છે.શ્રી જોશીએ જ વડોદરાના પુરપીડિતોને વસ્ત્ર સહાયતાની મંડળની આ દરખાસ્તનું સંકલન વડોદરા જિલ્લા પ્રશાસન સાથે કર્યું છે. સવજીભાઈ અને તેમના સાથી મહાજનો વિશ્વના દશેક દેશો સાથે વસ્ત્રોનો વેપાર કરે છે.સવજીભાઈ પોતે પણ ઘણાં ઉદારદાતા છે અને વિવિધ પ્રકારે સ્વતંત્ર રીતે અને મંડળના સહયોગ થી સમાજ સેવાના કામો અવિરત કરતાં જ રહે છે.આ સેવાભાવી સજ્જનોએ બનાસકાંઠાની વિકરાળ રેલ સમયે સંકટગ્રસ્તો માટે જિલ્લા પ્રશાસનને રૂ.૨૫ લાખની મદદ મોકલી હતી.વિવિધ ગૌશાળાઓમાં ગૌસેવા માટે ઘાસચારો અને કપાસનો ખોળ મોકલ્યો હતો.એટલે કહી શકાય કે આ મહાજનો વ્યાપારમાં જેટલા કુશળ છે એટલી જ દરિયાદીલી માનવતાના કામો માટે ધરાવે છે.સમાજ આવા લોકો થી જ ઉજળો છે.
સેવા કરવાની જેનામાં નિષ્ઠા છે એને કોઈ સરહદ નડતી નથી.એટલે જ ખાર ગારમેન્ટ એસોસિએશને મુંબઇ થી વહાવેલી સેવા સરવાણી વડોદરાના અસરગ્રસ્તોને માનવીય કરુણા રૂપે ભીંજવી રહી છે. વિકરાળ વરસાદે જેમને ટાઢમાં ધ્રુજાવ્યા એમને મુંબઈના મહાજનોની આ વસ્ત્ર સેવા અવશ્ય હૂંફ આપશે.