મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઓશવાળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જૂના ડીસાનો ઉદ્દઘાટન સમારોહ

પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યસ્થાને શ્રી ડીસા યુવક સંઘ મુંબઇ સંચાલિત ઓશવાળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જૂના ડીસાનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે આ વિધાલય બનતા આ વિસ્તારના યુવાનો ઘેરબેઠા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત્ કરી પ્રગતિના સોપાનો સર કરશે. મુખ્યમંત્રીશ્રીએ વિધાર્થીઓને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે આજનો યુગ એ જ્ઞાનનો યુગ છે ત્યારે જ્ઞાન અને અભ્યાસ અનિવાર્ય બની ગયું છે. આજના સમયમાં અભ્યાસ વિના ચાલવાનું નથી. દુનિયાની સ્પર્ધામાં ટકવા માટે ભણવું એ સમયની માંગ છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે દિકરા-દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં સર્વાગી વિકાસ કરીને નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે પાછળ ન રહે તે માટે ૧૦૦ ટકા નામાંકન, ઝીરો ટકા ડ્રોપ આઉટ રેટ રહે તેની આ સરકાર ચિંતા કરે છે. તેમણે ઉમેર્યુ કે શાળાઓને આધુનિક બનાવાઇ રહી છે. ટેકનોલોજીની મદદથી ૧૫ હજાર વર્ચ્યુઅલ કલાસનું નિર્માણ, બાયોમેટ્રીક સિસ્ટમથી ઓનલાઇન હાજરી, બાળક સ્પર્ધામાં આગળ રહે અને પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત બને તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજયના યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તે થાય તે માટે રાજયમાં ૧૫થી વધારીને ૬૦ થી વધુ યુનિવર્સિટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ટેકનોલોજી, મરીન, રેલ્વે, યોગા, ફોરેન્સીક સહિત તમામ પ્રકારની યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ યુનિવર્સિટીઓમાં નવા સંશોધનો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા સંશોધન કરનાર વિધાર્થીઓને રાજય સરકાર દ્વારા દર મહિને રૂ. ૧૫,૦૦૦ સ્ટાઇપેન્ડ આપશે. શિક્ષણક્ષેત્રે નવા સંશોધનનો આવિષ્કારર થાય તે સમયની માંગ છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડીયા- નયા ભારતના નિર્માણ માટે નવા ગુજરાતનું નિર્માણ જરૂરી છે. આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા અને શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી કે. સી. પટેલ, પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, એસ.ટી.નિગમના ડિરેક્ટરશ્રી દિનેશભાઇ અનાવાડીયા, અગ્રણીઓ શ્રી અતુલ મહેતા, શ્રી પ્રવિણ મહેતા, કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.