પાણીના ધસમસતા વહેણમાં ખભે બેસાડી બાળકોને બચાવ્યાં, પોલીસના થઈ રહ્યાં છે વખાણ

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ પોતાનું વરવું સ્વરુપ બતાવ્યું છે. ખાસ કરીને રાજકોટ અને મોરબી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતાં. જેના કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું કલ્યાણપુર ગામ પણ ટાપુમાં ફેરવાયું હતું. જેના કારણે અનેક લોકો ફસાયાં હતાં. આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેણે લોકોના દિલ જીત્યાં છે. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ટંકારા પોલીસ પણ જોડાઈ હતી. હવે આ રેસ્ક્યૂ ઓપરેશનનો એક વિડીયો વાઈરલ થયો છે તેમાં એક પોલીસ કર્મચારી બે બાળકોને ખભે બેસાડીને ધસમસતા પ્રવાહમાં આગળ વધતો જોવા મળે છે. કેડસમાણા પાણીમાં આ પોલીસ કર્મચારી જરાપણ પરવા કર્યા વગર જ બાળકોને ખભે બેસાડીને પાણીમાંથી બહાર કાઢતો જોવા મળે છે. આ પોલીસ કર્મચારીનું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા છે અને તે ટંકારા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.