સિવિલમાં બાથરૂમની ગ્રીલ તોડીને ઘરફોડ ચોરીનો આરોપી ફરાર

સુરત,
પોલીસ કસ્ટડીમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સુરતમાં બની છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને આરોપી ભાગી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા ઘરફોડ ચોરીના ગુનામાં વરાછા પોલીસે સુનિલ રમેશ વાઘેલા નામના આરોપીની ધરપકડ કરી હતી. જો કે, તેની તબિયત લથડતા સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વોર્ડમાં દાખલ સુનિલ બાથરૂમ ગયા બાદ ગ્રીલ તોડીને ભાગી ગયો હતો. જાકે, વધારે સમય પસાર થયા બાદ પણ આરોપી વોર્ડમાં ન આવતા પોલીસે તપાસ કરી હતી. જેથી માલુમ પડ્યું હતું કે, સુનિલ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ અંગે પોલીસની ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને વિવિધ ટીમો બનાવીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે આરોપી સુનિલને છેલ્લા કેટલાય દિવસોથી સારવાર માટે પોલીસ જાપ્તા સાથે વોર્ડમાં દાખલ કરાયો હતો. આ અંગે વડોદરા અને ખાટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.