આજવા સરોવરના ૬૨ દરવાજા ૨૧૪ ફૂટએ બંધ કરી દેવાયા

વડોદરા,
વડોદરાના આજવા સરોવરના ૬૨ દરવાજા તારીખ ૧ની ૧૧ઃ૦૦ વાગે સવારે ૨૧૪ ફૂટના લેવલે બંધ કરી દેવામાં આવ્યા છે. હજી વરસાદી માહોલ છે ને પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે જા ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થાય તો ૨૧૨ને ૫૦ ફૂટ પાણીનું લેવલ થશે. એ પછી ૬૨ દરવાજા ફરી ખોલી નાખી વિશ્વામિત્રીમાં પાણી ઠાલવવામાં આવશે. હાલ આ જવાનું લેવલ ૨૧૨ને ૩૫ ફૂટ છે અને ગઈકાલ તારીખ ૧ થી ઉપરવાસમાં વરસાદ નથી.
ગઈકાલની સવાર સુધી આજવામાંથી થોડું પાણી નદીમાં ઠલવાતું હતું. હજી ગયા મંગળવારે ઉપરવાસમાં વરસાદ થતાં અને પાણીની સારી આવક થતા સપાટી ૨૧૨ ફૂટને વટાવી ગઇ હતી. જેના કારણે ૬૨ દરવાજા ખોલવાની ફરજ પડી હતી તારીખ ૩૧ જુલાઇ થી ૧૫ ઓગસ્ટ સુધી એટલે કે ૧૫ દિવસ આજવાનો ઓવરફ્લો ચાલુ રહ્યો હતો.
સરકારની ગાઈડ લાઈન મુજબ તારીખ ૧૫ ઓગસ્ટની રાત્રે આજવાના ગેટનું લેવલ ૨૧૧ ફૂટથી વધારીને ૨૧૨ ફૂટના લેવલે ફિક્સ કરાયું હતું અને ઓવરફ્લો બંધ થઈ ગયો હતો પરંતુ ગયા મંગળવારે ભારે વરસાદથી બાર દિવસના વિરામ બાદ ફરી લેવલ ૨૧૨ ફૂટથી વધી જતા ઓવરફ્લો ચાલુ થયો હતો.
રવિવારે સાંજે વડોદરામાં બેથી અઢી ઇંચ વરસાદ પડતા નદીની સપાટી વધીને ફરી ૧૫ ફૂટ થઇ ગઇ હતી. આજવામાં ગેટની ઊંચાઈ ત્રણ ફૂટની જ છે. ૧૫ સપ્ટેમ્બર સુધી ૨૧૨ને ૫૦ ફૂટથી વધુ પાણી ભરી શકાશે નહીં. ૧૫ સપ્ટેમ્બર પછી પાણી ૨૧૪ ફૂટ સુધી ભરી શકાય છે.