વર્ષો જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં પ્રૌઢનું મોત

રાજકોટ,
રાજકોટ શહેરનાં ગુંદાવાડીમાં રહેતાં હિતેષભાઇ બચુભાઇ જીંજુવાડીયા (ઉં-૪૯) નામના ગુર્જર સુથાર પ્રૌઢ સવારે સાડા પાંચેક વાગ્યે ઉંઘી રહ્યા હતાં. ત્યારે તેમના ઘરની બે રૂમ વચ્ચેની દિવાલ અચાનક ધરાશાયી થઇ જતાં કાટમાળનું એક બેલુ તેમની છાતી પર પડતાં બેભાન થઇ ગયા હતાં. ઘરમાં તેમના ધર્મપત્નિ કિરણબેન અને બે દિકરીઓ પણ સુતા હતાં. સદ્દનસિબે આ બધાનો બચાવ થયો હતો. હિતેષભાઇને છાતીમાં મુંઢ ઇજા થતાં બેભાન થઇ ગયા હોઇ તાકીદે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ તબિબે તેને મૃત જાહેર કર્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
મૃત્યુ પામનાર હિતેષભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં અને ગુંદાવાડીમાં કાપડની દૂકાનમાં નોકરી કરતાં હતાં. તેમના મૃત્યુથી બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. જે બંને અભ્યાસ કરે છે. સ્વજનોના કહેવા મુજબ ખુબ જુનું લગભગ નેવુ વર્ષ જુનુ મકાન હતું. ભારે વરસાદને પગલે દિવાલ નબળી પડી ગયાનું તારણ છે. બનાવને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં.