લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલે આપઘાત કરતા ખળભળાટ

અમદાવાદ,
ઓઢવ વિસ્તારમાં ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા રાજસ્થાનના યુવક અને મહારાષ્ટ્રની યુવતીએ આપઘાત કરી લીધો છે. ઓઢવ પોલીસને ઘરમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક યુવકના કાકા અને તેમના કુટુંબીજનો આ રિલેશનશીપના કારણે તેને હેરાન પરેશાન કરતા હોવાથી બંનેએ આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક યુવકે ગળે ફાંસો ખાદ્યો છે જ્યારે યુવતીનું કયા કારણે મોત થયું છે તે એફએસએલ અને પોસ્ટમોર્ટના રિપોર્ટ બાદ કારણ બહાર આવશે.ઘરમાંથી સ્યૂસાઇડ નોટ મળી છે જેના આધારે મૃતક યુવતીના માતા-પિતાને જાણ કરી છે. તેઓની ફરીયાદ લઈ ગુનો નોંધવામાં આવશે.
ઓઢવ વિસ્તારમાં આવેલી છોટાલાલની ચાલીના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ૨૦ દિવસ પહેલા જ લક્ષ્મણ ચૌધરી અને પુજા તરકેશ નામના યુવક-યુવતી ભાડેથી મકાનમાં રહેવા આવ્યા હતા. લક્ષ્મણ ચૌધરી મૂળ રાજસ્થાનનો વતની હતો અને તે રોજગારી મેળવવા માટે મુંબઈ ગયો હતો. જ્યાં તેને મુંબઈની પુજા તરકેશ નામની યુવતી સાથે પરિચય થયો હતો અને પરિચય કેળવાયા બાદ બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.
છેલ્લા બે દિવસથી આ ફ્લેટનો દરવાજા ખુલ્યો ન હતો ગઈકાલે રાત્રે ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ મારતા આસપાસના લોકો ફ્લેટની બહાર એકત્ર થઈ ગયા હતા અને ઓઢવ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફ્લેટનો બંધ દરવાજા તોડાવ્યો હતો. રૂમની અંદર યુવતી પૂજાનો મૃતદેહ પલંગ પર પડેલો જાવા મળ્યો હતો જયારે યુવક લક્ષ્મણ ચૌધરીનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં મળ્યો હતો.