ગાંધીનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી

ગાંધીનગર,
જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાંધીનગર દ્વારા તા. ૨૦ નવેમ્બર-૨૦૧૯ આંતરરાષ્ટ્રીય બાળ દિન નિમિત્તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર સચિવશ્રીમનોજ અગ્રવાલના અઘ્યક્ષ સ્થાને ખાસ બાળ ગૃહ, સેક્ટર – ૧૯, ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના સચિવશ્રીએ સંસ્થામાં આશ્રિત બાળકોને સરકારશ્રીની પાલક માતા-પિતા યોજના, સ્પોન્શરશીપ યોજના, ફોસ્ટર કેર યોજના તથા આફ્ટર કેર યોજના વિશે વિગતવાર સમજ આપી હતી.
તે ઉપરાંત ગાંધીનગર જિલ્લાની જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ હેઠળ રજીસ્ટ્રેશન થયેલ સરકારી બાળ સંભાળગૃહ, સે-૧૩,સ્વૈચ્છિક સંસ્થા જે.ડી. પટેલ પ્રગતિ ફાઉન્ડેશનસંચાલિત ખાસ બાળગૃહ, સેકટર-૧૯, ગાંધીનગર તથા દિવ્યાંગ ધારા હેઠળ નોંધાયેલ વિશેષ એજ્યુકેશન સેન્ટર, કુડાસણ સંસ્થાના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, સંગીત ખુરશી, લીંબુ ચમચી, બોલ પાસિંગ અને બલુન બેલેન્સીંગ જેવી રમતો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બાળકોને ઈનામ તથા “મા કાર્ડ” તેમજ જન શિક્ષણ સંસ્થાનમાં સફળતાપૂર્વક પૂર્ણ કરેલ વ્યવસાયિક તાલીમના પ્રમાણપત્રોનું વિતરણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ, કલેક્ટર શ્રી ડૉ. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. આર. રાવલ તથા માન. નિયામક શ્રી, જી. એન. નાચિયા, સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્યના હસ્તે કરી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજિત ૧૬૦ બાળકો તથા વાલીઓએ ભાગ લીઘો હતો.