વિદ્યાર્થીને ફટકારતો મધર સ્કૂલનો શિક્ષક સીસીટીવીમાં કેદ, હોબાળો થતા ભૂલ કબૂલી

વડોદરા,
શાળામાં શિક્ષકોના વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. વિદ્યાર્થીને મારવા એ કાયદાકીય રીતે પ્રતિબંધિત હોવા છતાં શિક્ષકો આવેશમાં આવીને વિદ્યાર્થીને અવારનવાર માર મારતા હોય છે. આવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ વડોદરા જિલ્લાના પાદરાની મધર સ્કુલમાંથી બહાર આવ્યા છે. જ્યાં એક નિર્દયી શિક્ષકે આવેશમાં આવીને વિદ્યાર્થીઓની ધોલાઈ કરી હોવાનું કબૂલ્યું છે.
શિક્ષકે મીડિયાના કેમેરા સામે માર માર્યો હોવાની કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “મેં આવેશમાં આવીને વિદ્યાર્થીઓને માર માર્યો હતો. સોરી મારાથી ભૂલ થઈ ગઈ હું કબૂલાત કરૂં છું. હું વર્ગ ખંડમાં હતો ત્યારે વિદ્યાર્થીઓ અવાજ કરી રહ્યા હતા. આ ઘટનાથી હું ઉશ્કેરાઈ ગયો હતો.” શિક્ષકના મારા મારવાની ઘટના બાદ એક સાથે સાત વિદ્યાર્થીઓને શરીરે નિશાન પડી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આ નિષ્ઠુર શિક્ષક ફૂટપટ્ટી વડે વિદ્યાર્થીઓની ધોલાઈ કરતો જાવા મળ્યો હતો. સમગ્ર ઘટના બાદ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નિષ્ઠુર શિક્ષકની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે શિક્ષકને જીપમાં બેસાડી અને પોલીસ મથકે લઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલો થાળે પાડ્યો છે. જાકે, શાળા આ શિક્ષક સામે શું કાર્યવાહી કરે છે તેના પર વાલીઓની નજર છે.