વિધિ કરવાનાં બહાને રોકડ અને ઘરેણા સહિત એક લાખ પડાવ્યા, બે મહિલાની ધરપકડ

રાજકોટ,
સ્મશાનમાં વિધિ કરવાથી તારા ઘરે દીકરો થશે તેવી લાલચ આપી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા અને ઘરેણા સહિત ૧ લાખ પડાવનાર બે મહિલાની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. આ બંને મહિલાએ ફરિયાદીને દીકરો થવાની લાલચ આપી તેની પાસેથી રોકડા ૫,૫૦૦ હજાર, અઢી તોલાની સોનાની હાંસડી ૧૦૫૫૦૦નો મુદ્દામાલ પડાવી લીધો હતો. આથી ફરિયાદીના ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી બંને મહિલાની ધરપકડ કરી છે.
લાભુબેન મહેશભાઇ ભડીયો અને નયનાબેન ભરતભાઇ નકુમ નામની બં મહિલાની પોલીસે ધરપકડ કરી છે. કુવાડવા આસપાસના ગામોમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે નવાગામ આણંદપર પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળ આવેલા રોડ પર બે મહિલાઓ ઉપરોક્ત ગુનામાં પડાવેલા ઘરેણા વેચાણ કરવા નીકળી હોય તેવી બાતમી મળી હતી. આથી પોલીસે બંને મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.