પોલીસમાં ફરજ બજાવતા ૧૬૦૦ મહિલા કર્મીઓનાં સ્વાસ્થ્યની તપાસ કરાઈ

અમદાવાદ,
અમદાવાદ પોલીસ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો કેમ્પ, દરરોજ ૩૦૦થી વધુ મહિલા પોલીસ કર્મીઓના એચબી એસ્ટીમેશન સાથે સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરાશે. પોલીસ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પોલીસ વિભાગમાં ફરજ બજાવતી ૧૬૧૨ મહિલા પોલીસ કર્મીઓના હેલ્થની તપાસ માટે મેડિકલ કેમ્પ શરુ થયો છે. ૨૯ નવેમ્બર સુધી ચાલનારા આ મેડિકલ તપાસ કેમ્પમાં મહિલા પોલીસ કર્મચારીઓના એચબી એસ્ટીમેશન સાથે સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરાશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિસ પર પ્રતિરોજ ૩૦૦થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના હેલ્થની તપાસ કરાવશે. સાથે સાથે મહિલા પોલીસ કર્મીઓમાં ઓર્ગન ડોનેશન અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી ૧૬૧૨ મહિલા પોલીસ કર્મચારીઓનાં આરોગ્યની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને ડેપ્યુટી પોલીસ કમીશનર નિપુર્ણા તોરવણેએ મંજૂરી આપી છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો આ મહિલા કર્મચારીઓના આરોગ્યની તપાસ કરશે. ડેપ્યુટી કમિશનર નિપૂર્ણા તોરવણેનું કહેવું છે કે શહેરમાં ૧૬૧૨ મહિલા પોલીસ ખડેપગે સમાજ સેવામાં કાર્યરત રહે છે. મહિલા કર્મીઓ તેમની ફરજની સાથે સાથે પોતાના કુટુંબમાં પણ જવાબદારીઓ નિભાવતી હોય છે. તેથી તેમનું સારુ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી તેમના આરોગ્યની તપાસ જરુરી છે. આ પ્રકારના કેમ્પને પગલે મહિલા કર્મીઓમાં ઓર્ગન ડોનેશન, બ્રેસ્ટ કેન્સર અને એનેમિક ઉણપ અંગે જાગૃતિ આવશે.