ભરૂચ નગરપાલિકા કક્ષાએ વોર્ડ નં.૩, ૪ અને ૮ નો સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ,
રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ(તબક્કા – ૫) કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે તે અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તા.૨૯/૧૧/૨૦૧૯ ને શુક્રવારના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉન હોલ – ભરૂચ ખાતે ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ વોર્ડ નં.૩, ૪ અને ૮ નો સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, ચીફ ઓફિસરશ્રી સંજય સોની સહિત નગરપાલિકાના સદસ્યો, આગેવાન – પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર હરહંમેશ પ્રજાની સેવા માટે તત્પર છે. ઘર આંગણે સેવાપુરી પાડવા રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. પ્રજાનું કામ ઝડપથી થાય તથા તેમને આવતી મુશ્કેલીઓનું ઝડપથી નિરાકરણ થાય તે અર્થે પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્મ ગુજરાતના તમામ જિલ્લાઓમા કાર્યરત છે, ત્યારે દરેક નાગરિકો પોતે જાગૃત બની સરકારની આ સુવિધાનો લાભ લે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.
નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાએ પ્રાસંગીક ઉદબોધન દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વોર્ડ નં.૩, ૪ અને ૮ ના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.