ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

અંધજન શાળા શિવારીમાળ પ્રજ્ઞા મંદિર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મૂક બધિર તેમજ દિવ્યાંગ અને વિકલાંગ બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંધજન શાળાના બાળકોને વિકલાંગ હોવા છતાં જે લોકો એ મહાન કાર્યો કર્યા છે તેવા મહાન વીરલા ઓ જેમકે સ્ટીફન હોકીંગ, હેલન કેલર, ટોમ ક્રુઝ અરૂણિમા સિંહા, રવિન્દ્ર જેન, સુધા ચંદ્રન વિશે ની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગો અને વિકલાંગ બાળકો દ્વારા બાળગીત, તેમજ મહાન વિભૂતિઓના પ્રેરક પ્રસંગો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
અંધજન શાળાના આચાર્ય સુરેશ ભાઈ ભોયે એ આંતરરાષ્ટ્રીય વિશ્વ વિકલાંગ દિવસ ની સમજણ આપી હતી ત્યારે કોડિનેટર કૌશિકભાઇ જોશી એ બાળકોને ખુબ આગળ વધવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ ચૌધરીએ વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે હેતુ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું અને વિકલાંગતા ધરાવતા બાળકો ને યુનિક વિકલાંગતા આઈડી કાર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી ગૌરવ જોશી, શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.