કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે “વેલનેસ સેન્ટરનો” થયેલો પ્રારંભ

કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે “વેલનેસ સેન્ટરનો” થયેલો પ્રારંભ
Spread the love
  • સ્થાનિક પ્રજાજનો-પ્રવાસીઓ સહિતના જનસમુદાયને “વેલનેસ સેન્ટરનો” લાભ લેવા SOU ના નાયબ વહિવટદાર નિલેશ દુબેનો અનુરોધ

કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ હસ્તક નવનિર્માણ પામેલ આરોગ્ય વન ખાતે આજે  ગુજરાત વન વિભાગ અને કેરળના શાંથિગીરી આશ્રમના સહયોગથી  સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ વહિવટદાર નિલેશ દુબે, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, પ્રયોજના વહિવટદાર આર.વી.બારીઆ, કેરળના શાંથિગીરી આશ્રમના મેનેજર હરીશ આર, આશ્રમની તબીબી ટીમ તેમજ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીગણની વિશાળ ઉપસ્થિતિમાં “વેલનેસ સેન્ટર” ની સેવાઓને દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઇ હતી.

વેલનેસ સેન્ટરને ખૂલ્લો મુકતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ વહિવટદાર નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, આપણી જે પ્રાચીન પરંપરાગત સંસ્કૃતિમાં આયુર્વેદિક ઉપચાર થકી જે સેવાઓ લેવામાં આવતી હતી તે ઉત્તમ પ્રકારની હતી અને એટલે જ પ્રાચીન સમયમાં લોકોનું સ્વાસ્થય સારૂં રહેતું હતું. આજે  ગુજરાત વન વિભાગ અને કેરળના શાંથિગીરી આશ્રમના સહયોગથી વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો સ્થાનિક પ્રજાજનો-પ્રવાસીઓ સહિતનો જન સમુદાય બહોળા પ્રમાણમાં લાભ લેવા તેમણે જાહેર અનુરોધ કર્યો હતો. નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,  વેલનેસ સેન્ટરને ખુબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે.

આ સેન્ટર થકી લોકોને સારો એવો સારવારનો લાભ મળશે, ત્યારે આ સેન્ટર ઉભું કરવામાં સહયોગ આપનાર સહુ કોઇનો તેમણે આભાર  માન્યો હતો.  કેરળથી પધારેલ નિષ્ણાંત ડૉક્ટરશરણે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વેલનેસ સેન્ટરમાં  થેરાપીસ્ટની સેવાઓ મળી રહેશે. અહીં વ્યક્તિને તપાસીને જરૂરી યોગા અને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. અહીંના સ્થાનિક લોકો તેમજ અહીં આવતા પ્રવાસીઓ-સહેલાણીઓ માટે વેલનેસ સેન્ટરમાં આયુર્વેદ શોપ ચર્મ મહિમા, ચર્મ શુધ્ધી, ફેસ ક્રિમ: કુમકુમાદી લેપમ, હેર ઓઇલ: સ્ટ્રોબીલેનથસ ઓઇલ, પેટની તકલીફ: ઉદરસુધા, હદય માટે: હરિધ્ય શાંતિ વગેરે મળી રહેશે.

અહીં રીજુવેનેશન ટ્રિટમેન્ટ ટ્રેઇનીંગ પામેલ ટ્રેડીશનલ સ્ટાફ દ્વારા આપવાની વ્યવસ્થા કરાઇ છે. આ વેલનેસ સેન્ટરમાં પ્રવાસીઓ તેમજ જાહેર જનતાને શીરોધારા, શીરોબસ્તી, નાસ્ય, રસાયણ ચિકિત્સા, સ્ટીમબાથ અને મસાજ જેવા ઉપચારો કેરળ પ્રદેશમાં વપરાતી ઉપચાર પધ્ધતિ અનુસાર આપવામાં આવશે આમ, આવી અનેક પ્રવૃત્તિઓનો જન સમુદાયને બહોળા પ્રમાણમાં વેલનેસ સેન્ટરનો લાભ મળી રહેશે. આ પ્રસંગે કેરળથી આવેલ નિષ્ણાંત ડૉક્ટર સ્મીતાએ માધ્યમોને વેલનેસ સેન્ટરની પ્રાથમિક જાણકારી પુરી પાડી હતી.

અંતમાં ઉપસ્થિત મહાનુભાવોની વેલનેસ સેન્ટરની મુલાકાત દરમિયાન કેરળથી આવેલ નિષ્ણાંત ડૉક્ટર ટીમે પ્રવાસી-મુલાકાતીની આરોગ્ય તપાસ કરીને અપાઇ રહેલી જરૂરી સારવાર પ્રક્રિયા નિહાળી હતી. આ પ્રસંગે કેરળના શાંથિગીરી આશ્રમના મેનેજર હરીશ આર.એ નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાને હદય શાંથિની આયુર્વેદિક દવાઓ અર્પણ કરી હતી.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપલા

Admin

Admin

9909969099
Right Click Disabled!