કડી પાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઇનામોની વહેચણી કરવામાં આવી

કડી નગરપાલિકા અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ કડી ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળા, સોસાયટી, હોસ્પિટલ તથા સફાઈ વર્કરોનું સન્માન તેમજ પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન હેઠળ સારી કામગીરી કરનારને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કડી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા કડી શહેરને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા તેમજ પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરીમાં 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળા, કોલેજ,હોસ્પિટલ, સોસાયટી તેમજ સફાઈ કામદારોને રોકડ ઇનામ તેમજ વિવિધ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઇનામ વિતરણ સમારોહમાં કડી પાલિકાના પ્રમુખ શારદાબેન પટેલ, ઉપપ્રમુખ નિલેશ નાયક, સાંસ્કૃતિક શાખાના ચેરમેન અલ્પાબેન આચાર્ય તેમજ કડી જેસીસ પ્રમુખ દેવાંશી યશ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.