વડોદરામાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લોક પ્રશ્નોના નિરાકરણની ચર્ચા

વડોદરામાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લોક પ્રશ્નોના નિરાકરણની ચર્ચા
Spread the love

વડોદરા,
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે પાદરાની પોસ્ટ ઑફિસ ઉપલા માળે આવેલી હોવાથી સિનિયર સીટીઝનો ને સુવિધા રહે એ માટે ભોંયતળિયે હેલ્પ ડેસ્ક જેવી સુવિધા આપવા સૂચના આપી હતી.પાદરાના ધારાસભ્યશ્રી જસપાલ સિંહ પઢિયારે વડિલજનો ને પડતી મુશ્કેલીઓ તરફ સંકલન સમિતિની બેઠકમાં ધ્યાન દોરતાં આ સૂચના આપવામાં આવી હતી.
ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા તેમજ અક્ષય પટેલે નર્મદા કેનાલની સાફ સફાઈ અને વઢવાણા તળાવ ની નહેરો અને દરવાજાની જાળવણીની બાબતો રજૂ કરી હતી.તેના અનુસંધાને નિગમ અને વઢવાણા સિંચાઇના અધિકારીઓને આ કામગીરીનું અગ્રતાક્રમે આયોજન કરવા જણાવ્યું હતું. ધારાસભ્યો ની રજૂઆતના અનુસંધાને શ્રમ અને રોજગાર વિભાગોને સંકલન સાધીને ઔદ્યોગિક એકમોને સ્થાનિક વિસ્તારના નિવાસીઓ યોગ્ય લાયકાતો ધરાવતા હોય તો ભરતીમાં તેમને અગ્રતા આપવા માટે પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેકટરશ્રી એ જણાવ્યું હતું.ઔદ્યોગિક અકસ્માતો અને પ્રદૂષણને લગતી બાબતોમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ તેમજ જી.પી.સી.બી.ને વ્યવસ્થાઓની ઉચિત ચકાસણી અને નિરીક્ષણ તેમજ તકેદારીના પગલાં લેવા જણાવ્યું હતું.

શ્રી શૈલેષભાઈ મહેતા એ વુડા વિસ્તારમાં સન ફાર્મા પાસે નર્મદા નહેરમાં સાયફન બનાવી લોકોને અવર જવરની સુવિધા આપવા આગ્રહ કર્યો હતો.આ બાબતમાં વુડા અને એસ.એસ.એન.એન.એલ.ના અધિકારીઓને સંકલિત કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ આણવા સૂચના આપી હતી. કરજણ તાલુકાના અભરા ગામ પાસે ખાનગી કંપની દ્વારા નર્મદા કેનાલને નુકશાન પહોંચાડવાની ઘટનામાં તાત્કાલિક તપાસ કરાવી અહેવાલ રજૂ કરવા સૂચના આપવાની સાથે કલેકટરશ્રી એ વીજ પુરવઠો ખોરવાય નહિ એ માટે રસ્તા કે ગટર જેવા કામોના ઠેકેદારો ને વીજ નિગમ સાથે આગોતરું સંકલન કરી કામગીરીનું આયોજન કરવાની તાકીદ કરવા માર્ગ અને મકાન તેમજ અન્ય વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું.વિધાયકોની એસ.ટી.સેવાઓ અને પડતર કૃષિ વીજ જોડાણો અંગેની રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા એ નંદેસરી વિસ્તારની વિવિધ મુશ્કેલીઓ રજૂ કરી હતી.કામદારોને કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ સારવારની યોગ્ય સુવિધાઓ આપવા અંગે સંબંધિત અધિકારીઓને ઉચિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું . બેઠકમાં ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ, શૈલેષ મહેતા અને જસપાલ સિંહ પઢિયાર, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને વિવિધ ખાતાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!