હિંમતનગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જીલ્લા સમાહર્તા શ્રી સી.જે.પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ બિનઅધિકૃત દબાણ દૂર કરવા, હિંમતનગરના ગ્રામ્યથી શહેરી વિસ્તારને જોડતા રસ્તાઓના નિર્માણ અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો. જયારે ખેડબ્રહ્માના ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલના જળાશયને લઇ સ્થળાંતર કરેલ લોકો માટે જમીન સંપાદન કરવા તેમજ પોશીના અને વિજયનગરના અંતરીયાળ વિસ્તારમાં શાળાના ઓરડા બનાવવાને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેના નિરાકરણ માટે જિલ્લા સમાહર્તાશ્રી દ્રારા સબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ત્યારબાદ સંકલન સમિતિના બીજા તબકકાની કાર્યવાહીમાં પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત તેમજ કચેરી નિરીક્ષણ અંગે ચર્ચા કરવામાંઆવી હતી. જિલ્લામાં આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પ્રાંતિજ ખાતે યોજાનાર હોઇ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું બેઠકમાં અધિક કલેકટરશ્રી વી.એલ.પટેલ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.