પતંગ ચગાવતા પડી ગયેલા યુવાનનું મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત ઓપરેશન

લુણાવાડા,
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમ થકી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને નેતૃત્વનો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. આરોગ્ય, શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી હંમેશાં લોકોની ખુશાલી માટે નિમિત્ત બનતાં સંવેદનશીલ રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે દરેક વર્ગ માટે સતત નવા પગલાં ભરતી રહી છે. દિન પ્રતિદિન આરોગ્ય અને સારવારને લગતા ખર્ચ વધી રહ્યા છે. સામાન્ય માણસની કમર તૂટી જાય એટલો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં થાય છે, ત્યારે સરકારની મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય જેવી યોજનાઓના માધ્યમ થકી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ખાનગી હોસ્પીટલમાં વિનામૂલ્યે ઉત્તમકક્ષાની આરોગ્યલક્ષી સારવાર અચાનક આવી પડેલી વેદનાના દર્દમાં રાહત આપનારી બની રહી છે અને સંવેદનશીલ સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ માટે આભારની લાગણી વહી રહી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી ગુજરાત હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત ખેડા જિલ્લાના વાળીનાથ ગામના યુવાન સમીરભાઈ પટેલનું નિ:શુલ્ક થાપાનું ઓપરેશન થયું છે.
ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાનાં વાળીનાથ ગામના મધ્યમવર્ગીય પરિવારના ૩૨ વર્ષીય યુવાન સમીરભાઈ ભીખાભાઇ પટેલ પતંગોત્સવની મજા માણી રહ્યા હતા. અચાનક પગ લપસતાં ધાબાપરથી પડી ગયા અને થાપના ભાગે ઇજા પહોંચી. પરિવારજનો તેમને મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ ગુજરાત હોસ્પીટલમાં લઈ આવ્યા. હોસ્પિટલના તબીબ ડો. વિશેષે શેઠે તપાસી થાપાના ભાગે ઇજાના કારણે ઓપરેશન કરી સળિયો નાખવાની જરૂરિયાત હોવાનું જણાવતા પરિવારમાં ચિંતા પ્રસરી. આ ઓપરેશનમાં અંદાજે ૩૦ થી ૩૫ હજારનો ખર્ચ થાય છે સમીરભાઈના પરિવાર પાસે રાજ્ય સરકારનું આરોગ્યલક્ષી યોજનાનું માં વાત્સલ્ય કાર્ડ હતું. બાલાસિનોરની આ હોસ્પિટલ મુખ્યમંત્રી અમૃતમવાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત માન્યતા પ્રાપ્ત છે. સમીરભાઈના માં વાત્સલ્ય કાર્ડ થકી હોસ્પિટલના તબીબ દ્વારા થાપાના ભાગે ઓપરેશન કરી સળિયો નાખી સફળ નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું.
સમીરભાઈના બહેન કામિનીબેન કહે છે કે, કોઈપણ પરિવારમાં આકસ્મિક ઘટના બને ત્યારે પરિવાર પણ વેદના અને નાણાંકીય ચિંતા થકી સંકટમાં આવી જાય છે. આ સમયે જો સારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર થાય તો પરિવારમાં રાહત અનુભવાય છે. સરકારના માં વાત્સલ્ય કાર્ડથી મારા ભાઇનું ઓપરેશન ગુજરાત હોસ્પીટલમાં વિનામૂલ્યે થયું છે આ યોજનાના લાભ માટે હોસ્પિટલનો તેમજ સંવેદનશીલ રાજ્ય સરકારનોખૂબ-ખૂબ આભાર વ્યકત કરવા મારી પાસે શબ્દો નથી.