ઉનાવામાં ડુપ્લીકેટ વરિયાળીનું ગોડાઉન ઝડપાયું

ઉનાવા હાઇવે પર અતુલદાસ ખોડીદાસ પટેલના ગોડાઉનમાં બુધવારે સાંજે ગાંધીનગર અને મહેસાણા સીઆઇડી ક્રાઇમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રેડ કરી ડુપ્લીકેટ વરિયાળી બનાવવાનું કૌભાંડ ઝડપ્યું હતું. પોલીસે રૂ.14,04,837ની બનાવટી વરિયાળી સીઝ કરી હતી. ફૂડ વિભાગે વરિયાળીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલ્યા હતા.
ઉનાવા હાઇવે પર શનિદેવ મંદિર પાસે આવેલા અતુલદાસ ખોડિદાસ પટેલના ગોડાઉનમાં બનાવટી વરિયાળી બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી વિપુલભાઈ ચૌધરી, ડી.એ.ચૌધરી, એસ.બી.પટેલની સાથે મહેસાણા
અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે સાંજે ચાર વાગ્યાના અરસામાં ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન જૂની સુકાઈ ગયેલી વરીયાળીની પ્રોસેસ થઈ રહી હતી. તે સમયે ત્રાટકેલી પોલીસને જોઈ હાજર વ્યક્તિઓમાં ભય પ્રસર્યો હતો. આ સંયુક્ત રેડમાં પોલીસે કુલ 14,04,837 કિંમતની 37,452 કિલો વરિયાળી સિઝ કરી હતી.ફૂડ વિભાગે સેમ્પલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપ્યા હતા.