બાળકોની સેવા એટલે ભગવાનની સેવા-સરકાર કુપોષણ નાબુદી માટે કટિબધ્ધ : નીતિન પટેલ

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ કાર્યક્રમમાં કડી તાલુકાના કુંડાળ ગામે પોષણ અભિયાન પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે બાળકોની સેવા એટેલ પ્રભુની સેવા સરકાર કુપોષણ નાબુદી માટે કટિબધ્ધ બની છે. બાળક આવતી કાલનું ભવિષ્ય છે જેથી રાજ્યનું બાળક તંદુરસ્ત રહી સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બને તે દિશામાં સરકાર મક્કતાપુર્વક આગળ વધી રહી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના સહિ પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા પોષણ અભિયાન ૨૦૨૦ ને રાજ્ય સરકારે મિશન મોડ તરીકે લીધું છે.તેમણે ઉમેર્યું હતું કે સરકારના આ સામાજિક અભિયાનમાં જનસમુદાય જોડાય તે જરૂરી છે. આ અભિયાન થકી એક બાળક એક પાલક તળે કુપોષિત બાળકની સમાજ દ્વારા કાળજી રાખી સહભાગી બને તે માટે અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં ૪૨ લાખ લાભાર્થીઓ માટે ૧૬ હજાર મેટ્રિકટન ટેક હોમ રેશન અંતર્ગત લાભ અપાઇ રહ્યો છે.ટેક હોમ રેશનમાં કેલેરી,પ્રોટીન ઉપરાંત ૦૮ વિવિધ પ્રકારના સુક્ષ્મ પોષક તત્વોનો લાભ લાભાર્થીઓને અપાઇ રહ્યો છે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સગર્ભા,ધાત્રી માતાઓ,કિશોરીઓ અને બાળકોની વિશેષ કાળજી લેવામાં આવે છે.રાજ્યની આંગણવાડી બહેનો અને આશા બહેનો દ્વારા આરોગ્ય,પોષણ અને જીવન કૌશલ્યની તાલીમ આપવાનું સરાહનીય કામ રાજ્યમાં થઇ રહ્યું છે.
પોષણ અભિયાન કાર્યક્રમમાં આંગણવાડીના તમામ ઓછા વજનવાળા બાળકોને સામાન્ય વજનમાં લાવવા,કિશોરીઓમાં એનીમિયાના પ્રમાણમાં વાર્ષિક ૦૬ ટકાનો ઘટાડો કરવો,અતિંગભીર એનીમિક સગર્ભાઓનું પ્રમાણ શૂન્ય કરવુ અને જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના પ્રમાણમાં ૦૩ ટકાનો ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે પોષણ અભિયાનમાં કામગીરી થનાર છે નાયબ મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીની મુલાકાત કરી બાળકો અને તેમના વાલીઓ સાથે ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન બાળ તંદુરસ્તી હરીફાઇ,વાનગી હરીફાઇ અંતર્ગત બાળકોને અને આંગણવાડી કર્મીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એક બાળક એક પાલક તળે પાલક દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન બીજુ પિયર ઘર અને ગુજરાત પોષણ અભિયાન ફિલ્મનું નિર્દર્શન સહિત નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અન્નપ્રાશન વિધિ તથા ટીએચઆર વિતરણ કરવામાં આવ્યું હતું., કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે,પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, પ્રાન્ત અધિકારી કેતકીબહેન વ્યાસ, એ.પી.એમ.સી ચેરમેન વિનોદભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ,આંગણવાડી કર્મીઓ,ધાત્રી માતાઓ,કિશોરીઓ,બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.