ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે યોજાયો “ઘરમાં ઉર્જા બચત” કાર્યક્રમ

ઉર્જા એ આપણી પાયાની જરૂરિયાત છે. ઉર્જાનો દિન-પ્રતિદિન વપરાશ વધતો જાય છે. ઉર્જાના સ્ત્રોતોના વપરાશ સાથે ઉર્જાની કટોકટીની ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. તદ્દ ઉપરાંત કોલસો, પેટ્રોલ, ગેસનો ઉપયોગ કરવાથી હવાનું પ્રદુષણ પણ વધે છે. જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા પેદા કરે છે.
ઉર્જાની બચત કરી આવનારી પેઢી માટે ઉર્જા સ્ત્રોતો બચાવવા ખુબજ જરૂરી છે. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા) ના ઉપક્રમે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા સેક્ટર-૭ ખાતે આવેલ ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે “ઘરમાં ઉર્જા બચત” એ વિષય ઉપર ડૉ.અનિલભાઈ પટેલ દ્વારા વીજ બચત અંગે નિદર્શન કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં ઘરમાં વપરાતા પરંપરાગત બલ્બ,ટ્યુબ,ફ્રીઝ,એસી,વગેરે ઉપકરણો કેટલી વીજળી વાપરે છે અને તેનો વિકલ્પ પસંદ કરીને કઈ રીતે વીજબીલ ઘટાડી શકાય તેની સમજ આપવામાં આવી. વીજળી ઉત્પન્ન કરવા વપરાતો કોલસો વીજ બચત થકી બચાવી શકાય છે. અને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ ઘરનું લાઈટબીલ જીરો કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત સમજ આપવામાં આવી. આ પ્રસંગે શ્રી નરેશભાઈ ઠાકરે પ્લાસ્ટીકના વપરાશ, કચરાનું વ્યવસ્થાપન અને તેના નિકાલની પદ્ધતિઓ વિષે સમજ આપી. કોલેજના આચાર્યશ્રી શીતલબેન પટેલ, નિસર્ગ સાયન્સ સેન્ટરના શ્રી શિવાંગ પટેલે કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક પાર પડ્યો.