વડોદરા ખાતે જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોના વિસ્તારોમાં પહેલા દિવસે પોષણ જાગૃતિ અભિયાનના કાર્યક્રમો

વડોદરા
હાલમાં શરૂ થયેલા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ ના પ્રથમ દિવસે વડોદરા જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોના વિસ્તારોમાં બાળ પોષણ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.તેમાં માટીકામ નિગમ અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ, ધારાસભ્યશ્રીઓ અને શ્રીમતી વત્સલા વાસુદેવ સહિત ઉચ્ચ અધિકારીઓ એ બાળ પોષણના સ્તર ની સુધારણામાં પાલક વાલીઓની ભૂમિકા સમજાવવાની સાથે બાળક સૂપોષિત રહે એ માટે માબાપે લેવાની તકેદારીઓ અને સરકારની પોષણ વર્ધક યોજના હેઠળ મળતી સાધન સામગ્રીની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમોમાં કુપોષિત બાળકો વતી બાળકોએ જ પોષણ અદાલતનું નાટક ભજવીને ખૂબ રસપ્રદ રીતે કુપોષણની બાબતમાં માબાપની બેદરકારી અને બાળકને સુપોષિત રાખવાની એમની ફરજોની જાણકારી આપી હતી.
કાર્યક્રમો ની શરૂઆત પોષણ આરતી દ્વારા કરીને મહાનુભાવોએ બાળકોની અન્ન પ્રાશન વિધિ કરાવી હતી અને બાળકો, સગર્ભાઑ,ધાત્રી માતાઓ અને કિશોરીઓને કેલરી,પ્રોટીન અને સુક્ષ્મ તત્વો યુક્ત ટેક હોમ રેશનનું વિતરણ કર્યું હતું.પાલક દાતાઓ તરીકે સેવા આપવાની તત્પરતા બતાવનારાઓ નું સન્માન અને બાળ તંદુરસ્તી તેમજ પૌષ્ટિક વાનગી હરીફાઈના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે પોષણ અભિયાનની અને બીજું પિયર ઘર ફિલ્મોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.ધ્યાન રહે કે જિલ્લા પંચાયતની બેઠકના વિસ્તારોમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો ચાલી રહ્યા છે.