કરજણમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજની પૂર્ણકાલિન કોર્ટનો પ્રારંભ

વડોદરા,
વડોદરા જિલ્લાના કરજણમાં એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજની પૂર્ણકાલિન કોર્ટનો મુખ્ય જિલ્લા ન્યાયધીશ શ્રીમાન ડો. એ.સી જોષીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના ન્યાયિક ક્ષેત્રના લોકોને હવે પોસ્કો, એટ્રોસીટી, ફોજદારી-દિવાની અપીલ વગેરેના કેસમાં ન્યાય મેળવવા વડોદરા ખાતે જવાના ધક્કા મટી જશે. સાથે જ જિલ્લા ન્યાયલય, વડોદરાનું ભારણ ઘટશે અને લોકોને સરળ- સુલભ રીતે ન્યાય પ્રાપ્ત થશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયધીશશ્રી એ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના સહયોગ અને પ્રયાસથી આ વિસ્તારના ન્યાયિક ક્ષેત્રના લોકોને પૂર્ણકાલીન ન્યાયલય પ્રાપ્ત થયું છે. કોર્ટ કામકાજમાં મુદત પડતી હોય, અનેક ધક્કા થતા હોય ત્યારે લોકોનો કિંમતી સમય બચશે. લોકોનો સમય બચવો પણ એક સેવા જ છે. તેમજ આ સંસ્થાના કર્મચારી, જજ અને ધારાશાસ્ત્રીશ્રીઓને સત્ય, નિષ્ઠા, પ્રમાણિકતાથી કાર્ય કરી લોકોને ન્યાય આપવવામાં મદદરૂપ બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું કે, બાર અને બેંચના સમન્વયથી ૧.૨૫ લાખનો કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં ૬૫૦૦૦ જેટલા લોક અદાલત અને ૫૫૦૦૦ કેસો નિયમિત સુનાવણીના માધ્યમથી નિકાલ કરવામાં આવ્યો છે. લોકોને સરળ-સુલભ રીતે ન્યાય મળે તેવા ન્યાયતંત્ર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કરજણના ન્યાયલયના એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એ.એ. નાણાંવટીએ છેવાડાના લોકોને સરળતાથી અને ઘર આંગણે ન્યાય મળી રહી તે દિશામાં આજે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના પ્રયાસથી પગલું ભરવામાં આવ્યું છે. જેનો આવનાર દિવસોમાં લોકોને લાભ પ્રાપ્ત થશે. તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સરકારી પ્લીડર શ્રી એ.એમ. દેસાઈ, બાર એસોસિએશન, વડોદરા પ્રમુખ શ્રી એસ.કે. ભટ્ટ, કરજણ બાર એસોસિએસનના પ્રમુખ શ્રી એ. કે. બાર એસોસિએસન, કરજણના સેક્રટરી શ્રી એન.વી. પરમાર સહિત શિનોર-કરજણના ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.