અમેરિકામાં નવજાતનું કોરોનાના કારણે મોત
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ કોરોના વાયરસનો જીવલેણ પ્રકોપ વધી રહ્યો છ. એક બાજૂ જ્યાં પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે, ત્યાં વળી મરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એટલે કે, રવિવાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 124,377 પહોંચી ગયો છે. તો વળી મરનારા લોકોની સંખ્યા વધીને 2190 થઈ ગઈ છે. આ ઉપરાંત 1095 દર્દી સાજા થયા છે.
11 મહિનાના બાળકનું કોરોનાના કારણે મોત
આ તમામની વચ્ચે અત્યંત દર્દીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં ઇલિનોઇસ રાજ્યમાં શનિવારે કોરોના વાયરસથી પીડાતા એક બાળકનું મોત થયું હતું. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ આ બાળકને શિકાગોમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને આ ખતરનાક વાયરસના કારણે તેનું મોત થયું છે.. જોકે, આ ઘટનાથી હચમચી ઉઠેલા અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે તપાસના આદેશ પણ આપ્યા છે. આ બાળકની ઉંમર 11 મહિના કરતાં ઓછી હતી અને તેના પગલે અમેરિકામાં હાહાકાર મચ્યો છે.
વહીવટી તંત્રએ આપ્યા તપાસના આદેશ
આ ઘટના અંગે માહિતી આપતા ઇલિનોઇસના ગર્વનર જીબી પ્રિત્ઝકરે જણાવ્યું હતું કે, ‘આ નવજાતને છેલ્લા 24 કલાકમાં જ ચેપ લાગ્યો હતો. બાળકની ઉંમર 1 વર્ષ કરતાં પણ ઓછી હતી.’ આ ઘટના અંગે અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા નોઝી એઝિકે જણાવ્યું હતું કે, નવજાતમાં કોરોનાનો એક પણ કેસ હજૂ સુધી આવ્યો નહોતો, આ પ્રથમ કિસ્સો છે. સમગ્ર આરોગ્ય વિભાગ આ ઘટનાની જીણવટભરી તપાસ કરશે.